Get The App

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતાં ખેડૂતો હેરાન-પરેશાન

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતાં ખેડૂતો હેરાન-પરેશાન 1 - image


E-Samriddhi Portal Down: 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરુ કરવામાં આવી હતી. નોંધણી શરુ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી. પરંતુ અપડેશન બાદ આજે(2 સપ્ટેમ્બર)થી નોંધણી પુનઃ કાર્યરત થઈ હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. 

ત્યારે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખેત-પેદાશોના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ-સમૃદ્ધિ પોર્ટલ શરુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પોર્ટલ છેલ્લા બે દિવસથી સતત ડાઉન હોવાના કારણે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી.

​સાવરકુંડલાના થોરડી ગામમાં આવેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની મોટી ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગઈકાલથી વહેલી સવારથી જ લાઇનમાં ઊભા છે, પરંતુ પોર્ટલ ચાલુ ન થતાં એક પણ ફોર્મ ભરાયું નથી. ખેડૂતો પોતાના કામ-ધંધા છોડીને રજિસ્ટ્રેશન માટે આવ્યા છે, પરંતુ પોર્ટલ બંધ હોવાના કારણે તેઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.

​લાંબી કતારોમાં ઊભા રહેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ટૂંકો સમયગાળો આપવામાં આવ્યો છે, અને તેમાં પણ પોર્ટલ ડાઉન રહેતાં તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવી શકશે કે કેમ તેની ચિંતા તેમને સતાવી રહી છે. આ સમસ્યાને કારણે અસંખ્ય ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે અને તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માગણી કરી રહ્યા છે.

ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું: કૃષિ મંત્રી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.

આ બાબતની જાણ થતાં કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે 2 સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે.


Tags :