ભાવનગરમાં ઇ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, મોટી જાનહાનિ થતા ટળી
- આગ લાગતા બે પક્ષીના મોત
- ઘરમાં રાખવામાં આવેલ કરિયાણાનો સામાન અને સિલાઈ મશીન થયા ખાક
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ માધવાનંદ સોસાયટી નંબર બે, પ્લોટ નંબર ૨૩૭ ખાતે રહેતા રાકેશભાઈ શંકરભાઈ મકવાણાની ઈલેક્ટ્રીક બાઈકની બેટરી સવારે ચાર્જ કરવા માટે મૂકી હતી ચાર્જ કર્યા બાદ આ બેટરીને રાકેશભાઈએ રસોડામાં મૂકી હતી તેવામાં બપોરના ૧૨.૩૦ કલાકે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આખુંય ઘર ધુવાડા થી ભરાઈ ગયું હતું. અને થોડો સમય સુધી ઘરના પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી અને ઘરમાં રાખવામાં આવેલ કરિયાણાનો સામાન, સિલાઈ મશીન અનેે દિવાલ સંપૂર્ણપણે બળી જવા પામ્યા હતા. જયારે રાકેશભાઈએ ઘરમાં રાખેલા બે પક્ષીઓના પણ ધુમાડાને કારણે મોત થયા હતા.બાઈક ની બેટરીમાં બ્લાસ્ટ થવા લાગ્યો હતો દરમ્યાનમાં પરિવારના સભ્યો દ્વારા ઘરમાં પ્રવેશીને બેટરી ઘરના આંગણામાં ફેંકી દીધી હતી તેમ છતાં પણ ઘરના આંગણામાં ફેકાયેલી બાઈકની બેટરીમાંથી રોકેટની જેમ મોટા મોટા બ્લાસ્ટ થયા હતા.અને પરિવારના સભ્યોએ બેટરીમાં લાગેલી આગ ઓળવી નાખી હતી.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી નહતી.જોકે મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.
ઈલેક્ટ્રીક બાઈકની બેટરી બ્લાસ્ટ થવાના બનાવ વધતા ચિંતા
મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહી છે.ત્યારે હવે ભાવનગર શહેરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના જોવા મળી હતી. ત્યારે સમયાંતરે બાઈકની બેટરીની ચકાસણી કરાવવી અને ચાર્જિંગ કરતી વખતે સળગી જાય તેવા પદાર્થો બાઈક પાસે ન રાખવા અને બેટરી સાથે જોડેલા વાયરો લુઝ ન રાખવા સહિતની તકેદારી રાખવા ઓટો એક્સપર્ટએ જણાવ્યું છે.