ધૂળ ખાતી 24 ઈલેકટ્રીક સિટી બસો, મુખ્યમંત્રી બદલાતા લોકાર્પણ ટલ્લે
- રાજકોટ સિટી બસોમાં રોજ 40,000 નાગરિકો કરે છે મુસાફરી
- તા. 15 ઓગષ્ટ પછી તા. 17સપ્ટેમ્બરે ઉદ્ધાટનનો તખતો ગોઠવાયો પણ પછી મોકૂફ
કાર્યક્રમ વગર કાર્ય કરવાની રાજકીય પરંપરા નથી !
રાજકોટ, : કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝની યોજના હેઠળ રાજકોટને પ્રથમ તબક્કામાં ૫૦ સહિત ૧૫૦ ઈલેક્ટ્રીક બસો ફાળવવા વર્ષો પહેલા નિર્ણય લેવાયો છે અને એક વર્ષ પહેલા બસો ચલાવવા કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, ત્રણ માસ પહેલા ઈલેક્ટ્રીક બસનું ટેસ્ટીંગ કમિશનરે મુસાફરી કરીને કરી લીધું છે, દોઢ માસ પહેલા ૨૪ ઈલેક્ટ્રીક બસો રાજકોટ આવી ગઈ છે છતા આજે પણ આ બસો શરૂ કરાઈ નથી. મનપામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રીના હસ્તે તેના લોકાર્પણ માટે તૈયારી કરાઈ હતી પરંતુ, મુખ્યમંત્રી બદલાતા હાલ બસો શરૂ થવા કોઈ અંદાજિત તારીખ પણ નથી.
આ બસો મનપા ખરીદતી નથી પરંતુ, મે.પી.એમ.આઈ.ઈલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન પ્રા.લિ. નામની કંપનીને પ્રતિ કિલોમીટરના રૂ।.૫૩.૯૧ લેખે ચલાવવા આપવાની છે. ૨૭ સીટર આ બસો માટે મનપાએ ૩૫ મિનિટમાં બસ ફૂલ ચાર્જ થાય તેવા ચાર્જીંગ સ્ટેશનો તૈયાર કરી દીધા છે, જરૂરી વિજ જોડાણો અગાઉ જ મેળવાઈ ગયા છે.
હાલ બી.આર.ટી.એસ.રૂટ કે જે સૌથી ધમધમતો રૂટ રહ્યો છે અને માત્ર ૧૦.૭ કિલોમીટરના ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે ૧૦ બસો ચાલતી હોય છે તેમાં ગત મહિને તે ૪.૮૩ લાખ કિલોમીટર ચાલી છે અને ૬.૯૨ લાખ મુસાફરોએ લાભ લીધો હતો એટલે કે એટલી ટિકીટલેવાઈ હતી. આ બસો હાલ જર્જરિત થઈ છે અને પ્રાથમિક તબક્કે આ જ રૂટ પર ૧૪ ઈલેક્ટ્રીક બસો મુકવાનો નિર્ણય પણ મનપાએ અગાઉ લઈ લીધો છે.
પચાસ પૈકી માંડ ૨૪ બસો રાજકોટમાં દોઢ માસ પહેલા આવી ત્યારે ૧૫ ઓગષ્ટે તેના લોકાર્પણની વાતો થતી હતી પરંતુ, બાદમાં તા.૧૭ના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજકોટ કાર્યક્રમ યોજાતા તે દિવસે ઈલે.બસો શરૂ કરવા તૈયારી ચાલતી હતી પરંતુ, લોકાર્પણ હજુ થયું નથી. ઈલેક્ટ્રીક બસો લોકાર્પણ વગર પણ લોકોની સુવિધા માટે શરૂ કરી શકાય તેમ છે પરંતુ, કોઈ પણ કાર્યક્રમ યોજ્યા વગર કાર્ય ન કરવું તેવી વર્ષો જુની રાજકીય પરંપરાને પગલે બસો શરૂ થઈ નથી.