ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો - જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો
જિલ્લામાં ગત વર્ષે એક કરોડનો ધંધો આ વર્ષે ૪૫ લાખે માંડ પહોંચ્યો
સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, લખતર, પાટડીમાં દિવસભર ઝરમર વરસાદ પડતા મીઠાઈ-ફરસાણની દુકાનોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી
સુરેન્દ્રનગર - સમગ્ર દેશ સાથે રાજ્યમાં નવરાત્રી પર્વ પૂર્ણ થતાં જ દશેરા એટલે કે વિજ્યાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વર્ષોની પરંપરા મુજબ ઝાલાવાડવાસીઓએ દશેરાના દીવસે જલેબી, ફાફડા અને ચોળાફળીની જયાફત માણી ઉજવણી કરી હતી પરંતુ આ વર્ષે દશેરાના દિવસે શહેર તેમજ જીલ્લામાં વરસાદ ખાબકતા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ખરીદીમો લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.
નવરાત્રીના નવ દિવસ ઝાલાવાડવાસીઓએ મન મુકીને ગરબે ધુમ્યા બાદ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વ સંપન્ન થયો હતો જેને બીજે દિવસે અસત્ય પર સત્યનો વિજય એટલે કે વિજયાદશમી તેમજ દશેરા પર્વની પણ ઝાલાવાડવાસીઓએ ઉજવણી કરી હતી. જિલ્લાના લોકો દશેરાના દિવસે જલેબી ચોરાફળીની જયાફત અચુક માણે છે પરંતુ આજે સવારથી જ સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, ધ્રાંગધ્રા, લખતર, પાટડીમાં દિવસભર ઝરમર વરસાદ પડયો હતો જેની સીધી અસર મીઠાઈ અને ફરસાણના દુકાનદારો ઉપર પડી હતી. જેને લઈને ફાફડા, જલેબી અને ચોરાફળીની ઘરાકીમાં ૫૦% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
અનેક દુકાનદારોની દુકાનોમાં ચોરાફળીનો સ્ટોક મોટી માત્રામાં પડયો રહ્યો હતો અને જલેબીના આથાનો સ્ટોક પણ પડયો રહ્યો હતો. આ વર્ષે સાદી જલેબીના પ્રતિ કિલોએ રૃા.૨૦૦ અને ચોખા ઘીની જલેબી પ્રતિ કિલો રૃા.૬૦૦ અનેચોરાફળી પ્રતિ કિલો રૃા.૪૦૦નો ભાવ નક્કી કરાયો હતો.
દશેરાએ મોટી દુકાનોમાં એક દિવસનો ધંધો ૫૦ થી ૬૦ હજાર રૃપિયા થતો હોય છે જ્યારે નાના દુકાનદારોનો પણ આ દિવસે ૨૦ થી ૨૫ હજાર રૃપીયાનો વકરો થતો હોય છે. આ વખતે વરસાદે ફરસાદ તેમજ મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની હાલત કફોડી કરી નાંખી હતી. વહેલી સવારથી જ વરસાદ શરૃ થતાં ગ્રાહકો જલેબી અને ચોરાફળી ખરીદવા એક દોકલ દુકાનો પર જોવા મળ્યા હતા. આ એક દિવસે જિલ્લાના વેપારીઓ એકથી સવા કરોડનો ધંધો કરતા હોય છે પરંતુ વરસાદના કારણે આ વખતે માંડ અંદાજે રૃા.૪૦ થી ૪૫ લાખ જેટલો માંડ થયો હતો.