ગુજરાતના અનેક જિલ્લામાં રાવણ દહન, સુરતમાં 70 ફૂટ તો અમદાવાદમાં 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન

Vijayadashami Celebration : આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે ગુરુવારે (2 ઓક્ટોબર) અમદાવાદ, રાજકોટ, સુરત, કચ્છ-ગાંધીધામ સહિત રાજ્યમાં ધામઘૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહન કરવામાં આવ્યું.
સુરતમાં 70 ફૂટના રાવણનું દહન
મળતી માહિત મુજબ, ગુજરાતમાં દશેરાના તહેવારમાં અલગ-અલગ સ્થળોએ રાવણ દહન કરવામાં આવ્યું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, ત્યારે સુરતમાં 70 ફૂટના રાવણનું દહન કરાયું. આ પૂતળું 49 વર્ષથી રાવણ તૈયાર કરતી મથુરાની ટીમ દ્વારા બનાવામાં આવ્યું હતું. જેને બનાવવા માટે 40 દિવસ જેટલો સમય થયો હતો.
![]() |
રાવણ દહન, સુરત |
અમદાવાદમાં રાવણ દહનની ઉજવણી
અમદાવાદમાં ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન, સાબરમતી ડી-કેબિન પાસે અને ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે રાવણ દહનના કાર્યક્રમમાં હજારો લોકો આવ્યા હતા. અમદાવાદ શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ સાડા છ દસકાથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે રાવણના 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાયું.
અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ 45 ફૂટ જેટલી જ ઊંચાઈના રાવણના પૂતળાનું દહન કરાયું. બંને સ્થળોએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન રામલીલા યોજાય છે. જેમાં અંતિમ દિવસે રાવણ દહન સાથે રામલીલાની પૂર્ણાહુતિ થાય છે. બીજી તરફ, સાબરમતી ડી કેબીન પાસે ઉપરાંત ભાડજ સ્થિત ઈસ્કોન મંદિરે સાંજે 6 વાગ્યાથી રામ દરબારના દર્શન, રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
જ્યારે રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો, ગાંધીનગરમાં 51 ફૂટ ઊંચા, નડિયાદમાં 51 ફૂટ ઊંચા, મહેસાણામાં 45 ફૂટ ઊંચા, રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું.
ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણ ધરાશાયી
ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા વિજયાદશમીના પાવન દિવસે રાવણદહનની ઉજવણી કરી હતી. પરંતુ રાવણદહનમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રાવણનું પૂતળું પડી ગયું હતું. જેથી આયોજકોએ ઊંધા મોઢે પડેલા રાવણના પૂતળાનું દહન કરીને પરંપરા નીભાવી હતી.
![]() |
રાવણ દહન, નડિયાદ |