Gujarat

અઢી મહિનાના સમય દરમિયાન સુભાષબ્રિજ તોડવા સાબરમતી નદી સંપૂર્ણપણે ખાલી કરાશે

By GS TEAM
13 Mar 20261 min read
અઢી મહિનાના સમય દરમિયાન  સુભાષબ્રિજ તોડવા સાબરમતી નદી સંપૂર્ણપણે ખાલી કરાશે

  અમદાવાદ,ગુરુવાર,12 માર્ચ,2026

અમદાવાદના હયાત ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજને તોડી રીસ્ટોર કરવા ઉપરાંત બંને સાઈડે ટુ-ટુ લેનના નવા બ્રિજ રુપિયા ૨૩૫ કરોડના ખર્ચે બનાવાશે. હયાત બ્રિજને તોડવા સાબરમતી નદી ૧ એપ્રિલથી ૧૫ જુન સુધી સંપૂર્ણપણે ખાલી કરાશે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાનુ નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ કરવામા આવશે.

સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને એપ્રિલમાં તોડવાની શરુઆત કરવામા આવશે.બ્રિજ જુની  બેલેન્સ કેન્ટી લીવર પધ્ધતિથી બનેલો હોવાથી તેના છ સ્પાન તોડવા માટે સુરત સ્થિત એસવીએનઆઈટી  અથવા આઈઆઈટી પાસે ખાસ મેથડ તૈયાર કરાવવામા આવી હોવાનુ જાણવા મળે છે.નદી ખાલી હશે તે દરમિયાન જ બ્રિજના સુપર સ્ટ્રકચરનુ ડિમોલીશન પુરુ કરી લેવાશે.જેથી ચોમાસા પહેલા રીસ્ટોરેશનની કામગીરી શરુ કરી શકાય.મળતી માહિતી મુજબ, હાલમાં બ્રિજની આસપાસ સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી ચાલી રહી છે.વાસણા બેરેજ ખાતે ડેમ સેફટી અંતર્ગત બેરેજના દરવાજાના નવીનીકરણ અને મરામતની સાથે સુભાષબ્રિજના સુપરસ્ટ્રકચરને તોડાશે જેથી નદી ખાલી હોય એ સમયે જ બ્રિજના કાટમાળનો નિકાલ કરી શકાય.