વડોદરાઃ ગાંધીનગર એસઆઇટીના પીએસઆઇ તરીકે રોફ ઝાડી તોડબાજી કરવા બાબતે તાંદલજાના મોબિન સોદાગર પાસે થોકબંધ બોગસ અને શંકાસ્પદ દસ્તાવેજો મળતાં જુદીજુદી તપાસ એજન્સીઓ પણ ચોંકી છે.
ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે મોબિન સોદાગર કારમાં યુનિફોર્મ રાખી જમીનોના કેસમાં સમાધાન કરાવી તોડબાજી કરતો હોવાની અને ડ્રાઇવરો પાસે ઉઘરાણું કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તાંદલજાના ઝમઝમ ટાવર પાછળ કબીર બંગ્લોઝમાં રહેતા મોબિન ઇકબાલભાઇ સોદાગરને ઝડપી પાડયો હતો.
અસલી પોલીસે નકલી પીએસઆઇ પાસે ખાખી યુનિફોર્મ ઉપરાંત બેલ્ટ,કેપ,સ્ટાર,ગન અને આઇકાર્ડ કબજે કર્યા હતા.જ્યારે,તેના મકાનમાંથી જુદીજુદી સરકારી,ટ્રસ્ટ તેમજ અન્ય કચેરીઓના સીલ તેમજ પ્રમાણપત્રો પણ મળી આવ્યા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.સમગ્ર કેસની તપાસ પીએસઆઇ આર એચ સીદ્દી કરી રહ્યા છે.પોલીસ દ્વારા આરોપીના બેન્ક ટ્રાન્જેક્શનોની તેમજ સોદાગર ટ્રસ્ટની પ્રવૃત્તિઓની પણ માહિતી એકત્રિત કરવામાં આવનાર છે.
ડીસીપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે,આરોપી ખૂબ બનેલો છે અને ગલ્લાંતલ્લાં કરી રહ્યો છે.જેથી પોલીસ તેના લેપટોપ, મોબાઇલ અને અન્ય સોર્સ મારફતે તપાસ કરી પુરાવા એકત્રિત કરી રહી છે.
મોબિનના બંગલામાં પાર્ક બંને કાર નંબર પ્લેટ વગરની હતી,કારમાં ક્યાં ક્યાં ફર્યો
ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મોબિન સોદાગરના બંગલામાંથી મળેલી બંને કાર નંબર પ્લેટ વગરની હતી.
પોલીસના જણાવ્યા મુજબ,આ પૈકીની એક કાર મોબિનની પત્નીના નામે અને બીજીકાર તેના સોદાગર ટ્રસ્ટના નામે હતી, અને આ બંને કારની આગળ પાછળ નંબર પ્લેટ નહતી.
મળતી માહિતી મુજબ,મોબિન કારમાં યુનિફોર્મ લટકાવીને ફરતો હતો.તો પછી પોલીસના કેમેરામાં તેમજ નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન તે પોલીસના ધ્યાને આવ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.
મોબિનના સંપર્ક સ્થાનો પર પણ પોલીસની નજર
પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મોબિનના સંપર્ક સ્થાનો પર પણ પોલીસ નજર રાખી રહી છે.મોબિન ક્યાં અને કોની સાથે ફરતો હતો,તેની સાથે ગુનાખોરીમાં કોણ સામેલ હતું,દસ્તાવેજોનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે જેવી બાબતો પોલીસ માટે મહત્વની બની છે.


