Get The App

વડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયો, જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયો, જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો 1 - image


Vadodara Fake Police : વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ પીએસઆઈને ઝડપી પાડતાં તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 

તાંદલજામા P.S.I. M I SODAGAR તોડપાણી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી 

વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા વિસ્તારમાં ઝમઝમ ટાવર પાસે અલ કબીર બંગ્લોઝમાં રહેતો એક ગઠીયો ડુપ્લીકેટ પોલીસ તરીકે રોફ ઝાડતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે ગઈકાલે તેના બંગલા પર દરોડો પાડયો હતો. પોલીસે દરવાજો ખખડાવી મોબિન..ના નામે બૂમો પાડતાં તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે અંદર પહોંચી જઈ સોફા પર બેઠેલા મોબિન સોદાગરને ઘેરી લીધો હતો.

વડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયો, જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો 2 - image

પત્ની અને સોદાગર ટ્રસ્ટના નામની બે કારમાંથી યુનિફોર્મ, આઈ કાર્ડ, કેપ, બેલ્ટ મળ્યા 

પોલીસે મોબિનને બંગલાની બહાર પાર્ક કરેલી બે કાર વિશે પૂછપરછ કરતાં ક્રેટા કાર તેની પત્ની શાહીનબાનુના નામે હોવાની તેમજ અર્ટીકા કાર સોદાગર ચેરીટેબલ ટ્રસ્ટના નામની હોવાની અને આ બંને કારનો પોતે ઉપયોગ કરતો હોવાને કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને કારમાં સર્ચ કરતા અંદરથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, ખાખી કલરનું પેન્ટ, પીએસઆઇ એમ.આઇ.સોદાગર લખેલી નેમ પ્લેટ, ગુજરાત પોલીસ લખેલો પટ્ટો, ગાંધીનગરના ડીએસપી એમ.જે.ચાવડાની સહી વાળું એસ.આઈ.ટીનું આઈ કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પોલીસ લખેલી નેમ્પલેટ, પોલીસની કેપ સહિતની ચીજો મળી આવી હતી.

ડ્રાઇવરો પાસે ઉઘરાણું અને જમીનના સોદામાં સમાધાન કરાવતો હતો 

પોલીસની પ્રાથમિક તપાસમાં મોબિન ઈકબાલ ભાઈ સોદાગરે કબૂલી લીધું હતું કે તે પોતે રાજ્યનું સેવક નથી અને પીએસઆઇ બનીને હાલોલ તેમજ આસપાસના ગામોમાં ફરી રહ્યો છે. ડ્રાઇવરોને દમદાટી આપી ઉઘરાણું કરતો હતો અને જમીનના સોદામાં સમાધાન પણ કરાવતો હતો. જેથી પોલીસે તેના ત્રણ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આવકનો બોગસ દાખલો અને જુદા-જુદા 22 રબર સ્ટેમ્પ હાથ લાગ્યા 

પોલીસે વધુ તપાસ કરતા મોબીનના નામનો પશ્ચિમ મામલતદારની સહી વાળો આવકનો બોગસ દાખલો પણ મળી આવ્યો હતો. જેમાં વાર્ષિક રૂ.90,000 ની આવક દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસ ગુજરાત, આસિ.ચેરિટી કમિશનર, ગાંધીનગર ડીએસપી, ડીએસપી એસઆઇટી ગુજરાત, પંચમહાલ સુપ્રિટેન્ડેન્ટ, વકફ કમિટી વડુ સહિતના સિક્કા અને દસ્તાવેજ પણ મળી આવ્યા હતા.

મફત શીવાભાઈ ચુનારાના નામે વડુમાં રોકડેથી જમીન ખરીદી

પોલીસને તપાસ દરમિયાન મફત શીવાભાઈ ચુનારાના નામનું આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ મળ્યા હતા. જે બાબતે પૂછપરછ જ કરતા મોબીને થોડા સમય પહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ખાતે મફત શીવાભાઈ ચુનારા નામે એક વીઘા જમીન લીધી હોવાની અને સોદાગર ટ્રસ્ટના નામથી રૂપિયા ચૂક્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે.