ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Dumping Site : વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3300 કરોડની રકમ ફાળવવામાં આવી છે તેવી જાહેરાત કરાઈ છે, તો તેમાં વિશ્વામિત્રી નદીને લગતા અન્ય પ્રોજેક્ટ સમાવી લેવાશે કે કેમ? તે જાહેર કરવું જોઈએ. વિશ્વામિત્રી નદીમાં જે ટિપિકલ સ્ટ્રક્ચર છે એ શોધીને દૂર કરવાની વાત કરવામાં આવી હતી. આવા 24 લોકેશન મળ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સત્તાવાર રીતે આ જગ્યાઓની જાહેરાત હોવી જોઈએ. બુલેટ ટ્રેનનો વિરોધ નથી, પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકો, ખાસ કરીને અમારા વિસ્તારના, જે રીતે હેરાન થઈ રહ્યા છે એને કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે.
છેલ્લા ઘણા વખતથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવાયાર્ડથી એસડીપો જવાનો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. બાજુનો માર્ગ અત્યંત જર્જરીત છે. ઘણી વખત અહીં અકસ્માતો પણ સર્જાઇ ચુક્યા છે. ધૂળની ડમરીઓના કારણે અહીં રહેતા લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ રહી છે. એક તરફનો માર્ગ હજુ કેટલો સમય બંધ રહેશે? અને અહીં જે રસ્તો ઊંચો, નીચો થઈ ગયો છે તેનું લેવલ ક્યારે કરવામાં આવશે? એની જાહેરાત થવી જોઈએ. બુલેટ ટ્રેનના કારણે જે રસ્તા ઉપર ખરાબ થઈ ગયા છે તે શું કોર્પોરેશને રીપેર કરવાના છે? કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કરી આપશે? એ સ્પષ્ટ થવું જોઈએ. સ્વચ્છતા સર્વેક્ષણ માટે કોર્પોરેટરો ઈન્દોર ગયા હતા, એમનો રિપોર્ટ સભામાં રજૂ થવો જોઈએ. આપણે 13માં રેન્ક પર આવ્યા છીએ પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. સ્વચ્છતા રિપોર્ટના આધારે આગામી પગલા તંત્રએ શું લીધા? એ અંગે દરેક નાગરિકોને માહિતી મળવી જોઈએ.
ડમ્પિંગ સાઈટ પર કચરાના નિવારણનો પ્રોજેક્ટ વર્ષ 2019માં પૂરો થવાનો હતો તે આજ દિન સુધી પૂરો થઈ શક્યો નથી. આપણે ઇજારદારને એક્સટેન્શન આપ્યા કરીએ છીએ. સુરત અને અમદાવાદમાં એ ઈજારદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય તો કોર્પોરેશનનું તંત્ર શા માટે તેની સામે પગલાં લઈ રહ્યું નથી? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આપણે સ્ટ્રીટ વેન્ડર પાસેથી દર વર્ષે રૂપિયા 35થી 40 કરોડ રૂપિયા વસૂલ કરીએ છીએ, જે પૈકી કોર્પોરેશનની તિજોરીમાં માત્ર ત્રણથી ચાર કરોડ આવે છે તો બાકીની રકમ ક્યાં જાય છે? તેનો ચોક્કસ હિસાબ નથી. એક તરફ આપણે ડિજિટલાઈઝેશનની વાતો કરીએ છીએ અને હાલ શાકભાજીવાળા પણ ક્યુઆર કોડ રાખતા થઈ ગયા છે તો આપણે તેઓ પાસેથી ક્યુઆર કોડના આધારે નાણાંની વસુલાત કેમ ન કરી શકીએ? અને નવી પોલીસી બનાવી તેનો અમલ કોણ અને કયા કારણસર થવા દેતું નથી? તેની જાહેરાત કરવી જોઈએ. સ્ટ્રીટ વેન્ડરો જે રકમ આપે છે તે બાકીની રકમ ક્યાં જાય છે? તેની તપાસ થવી જોઈએ તેવી તેમણે માંગણી કરી હતી.
જે સામે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આપણે ધીરે ધીરે તબક્કાવાર આ માટે યોગ્ય પોલીસી અંગે વિચારણા કરીશું. તેમના આ નિવેદન પછી સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ વચ્ચે ભારે જીભાઝોડી થઈ હતી. ઉશ્કેરાયેલા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, કોર્પોરેશનને જે રકમ મળતી નથી તેથી આર્થિક નુકસાન જાય છે તો આ રૂ.42 કરોડમાં તમારો સ્પિટ છે ? તેમના તે નિવેદનથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ખૂબ અકળાયા હતા અને તેમણે અમીબેન રાવતના શબ્દોને પરત લેવાની માંગણી કરી હતી. પરંતુ તેમને તેમના અન્ય સાથી સભ્યોનું આ બાબતે કોઈ સમર્થન ન મળતા તેઓ એટલા પડ્યા હતા અને અમીબેને પોતાના શબ્દ પરત લીધા ન હતા. દરેક વખતે પોઝિટિવ સજેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ કેમ વિરોધ કરે છે? અને લારી ધારકો માટે કયુઆર કોડ દ્વારા નાણાં સ્વીકારવામાં તંત્ર કેમ ખચકાટ અનુભવી રહ્યું છે? તેવો તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
વિશ્વામિત્રીમાં નડતરરૂપ 24 સ્ટ્રક્ચરના નામ જાહેર કરીશું -મ્યુ.કમિશનર
કોર્પોરેશનની સભામાં અમીબેન રાવતના સવાલ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેશન શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો જે 24 કિલોમીટરનો પ્રવાહ છે તે અંતર્ગત કામ કરે છે, તે સિવાયનું અન્ય કામ રાજ્ય સરકારનું સિંચાઈ વિભાગ કરી રહ્યું છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં નડતરરૂપ 24 સ્ટ્રક્ચરના નામ યોગ્ય સમય મર્યાદામાં જાહેર કરવાની સમગ્ર સભામાં તેમને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ જગ્યામાં અઘોરા મોલ તથા અન્ય ખ્યાતનામ બિલ્ડરોના પ્રોજેક્ટ નડતરરૂપ છે કે નહીં? તેના નામ જાહેર કરવાના મામલે સમગ્ર બાબતમાં વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.









