Gujarat

વાત્રકના કિનારે 10 મેટ્રિક ટન જોખમી કચરો ખાડો ખોદીને નિકાલ કરતા ફરિયાદ

By GS TEAM
24 Jul 20252 mins read
વાત્રકના કિનારે 10 મેટ્રિક ટન જોખમી કચરો ખાડો ખોદીને નિકાલ કરતા ફરિયાદ

- ખેડાના રઢૂ ગામ પાસેથી પસાર થતી 

- જમીનમાં દાટી કચરાનો નાશ કરી પર્યાવરણને નુકસાન કરવાના કૃત્ય કરનારા સામે પોલીસે ગુનો દાખલ કર્યો  

નડિયાદ : ખેડા તાલુકાના રઢુ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીના કિનારે શખ્સોએ પર્યાવરણને નુકસાન કરે તેવો જોખમી ઝેરી કચરો આશરે ૫થી ૧૦ મેટ્રિક ટન જેટલો કચરો ખાડો ખોદી પૂરી નાશ કરી નિકાલ કર્યો હતો. આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દ્વારા ઝેરી કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનાર લોકો સામે પગલાં લેવા ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં મહેલજ વાત્રક નદીના કિનારે ખુલ્લી જગ્યામાં જોખમી કચરો પ્લાસ્ટિકની બેસમાં ભરી બિનઅધિકૃત રીતે નાંખવામાં આવ્યો છે.આ જોખમી કચરો આશરે ૦૮/૦૬/૨૦૨૫ ની રાત્રે કોઈ શખ્સોએ અનધિકૃત રીતે નદી કિનારે ખુલ્લી જગ્યામાં ઠાલવી દાટી દીધો છે. આ જગ્યા પર પડેલો જોખમી કચરો પ્રાથમિક દ્રષ્ટીએ જોતા ડાઈઝ ઉદ્યોગનો હોય તેમ જણાય છે. આ જોખમી કચરાનો નિકાલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીમાં વૈજ્ઞાાનિક પધ્ધતિથી પર્યાવરણ સુરક્ષિત રીતે નાશ/નિકાલ કરવો આવશ્યક છે પરંતુ તેનો ખર્ચ બચાવવાના બદઈરાદાથી અને ગેરકાયદેસર નિકાલ કરી પૈસા કમાવવાના બદઈરાદાથી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આ પર્યાવરણને નુક્શાન થાય તેવું ગંભીર કૃત્ય કર્યું છે. 

 અજાણ્યા શખ્સોએ રઢુ ગામની સીમમાં માનવ જીવનને નુકશાનકારક જોખમી કચરો બેદરકારી અને ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે મોકલનાર ઉદ્યોગ તેમજ આ ઉદ્યોગના સંચાલન માટે જવાબદાર વ્યક્તિઓ, આ ઉદ્યોગના માલિક/ડાયરેક્ટરો, આ જોખમી ઘન કચરો કોઈપણ જાતની કાયદેસરની પરવાનગી વગર જમીનમાં દાટી ગેરકાયદેસર કૃત્ય કરનાર સામે પગલાં લેવા જણાવ્યું છે. 

આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.