ડમ્પરનું વ્હીલ ફરી વળતાં બાઇકસવાર યુવાનનું મોત
સાવલીથી સાળો-બનેવી કલરકામ માટે પરત ફરતાં અકસ્માત સર્જાયો
વડોદરા, તા.3 સાવલી તાલુકાના સમલાયા-કરચીયારોડ પર એક બાઇકને પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારતાં રોડ પર ફંગોળાયેલા યુવાન પર ડમ્પરનું પૈડું ફરી વળતાં સ્થળ પર જ મોત નિપજયું હતું જ્યારે તેના સાળાને ઇજા થઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે વડોદરાના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે સંતોષીનગરમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો સતિષ શ્યામબિહારી હરિજન ચમાર તેના પિતા તેમજ બનેવી પ્રમોદકુમાર જુના સમલાયા ગામ પાસે બનતી નવી કંપની નૈવેધમાં કલરકામ કરે છે. ગઇકાલે સાંજે સતિષ અને તેનો બનેવી પ્રમોદકુમાર બંને બાઇક પર કંપનીમાંથી સાવલી ખાતેની હોટલમાં જમવા માટે ગયા હતાં.
રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ બંને સાવલીથી પરત કંપની પર જતા હતા ત્યારે સમલાયા-કરચીયારોડ પર જાગૃતિ ઇન્ડસ્ટ્રિઝ કંપનીની સામે પાછળથી પૂરપાટઝડપે આવતા એક ડમ્પરે બાઇકને ટક્કર મારતાં સાળો અને બનેવી બંને રોડ પર પટકાયા હતાં. પ્રમોદકુમાર પર ડમ્પરનું પાછળનું વ્હીલ ફરી વળતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે સતિષને ઇજા થઇ હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે ગુનો દાકલ કરી વધુ તપાસ હાથ ધરી છે.