સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ
Surat Liquor Party : સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી રૂમ નંબર 443માંથી બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકોને દારૂની પાર્ટી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને ડુમસની હોટલમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો કોલ મળ્યો હતો. જેના પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂમ નંબર 443માં તપાસ કરતા, ત્યાં કેટલાક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે સ્થળ દારૂને મહેફિલ માણી રહેલા (1) મીત હિમાંશુભાઈ વ્યાસ, (2) સંકલ્પ અજય પટેલ, (3) સમકિત કલાપીભાઈ વિમાવાલા, (4) શ્લોક ભાવેશ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા.
નોંધનીય છે કે ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર કિરણ કુમાર હરગોવિંદભાઈ પટેલ નામની વ્યક્તિએ જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેમની પુત્રવધૂ તેનાં મિત્રો સાથે હોટલમાં દારૂની પાર્ટી કરી રહી છે. સસરાએ આપેલી માહિતી બાદ પોલીસ હોટલમાં પહોંચી અને દારૂની મહેફિલ ઝડપાઈ હતી.
પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.