Get The App

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ

મેલેરિયા, ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં વધારો,બોડકદેવ વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના  રોજ નોંધાતા એક હજાર કેસ 1 - image

અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજના એક હજાર કેસ નોંધાઈ રહયા છે. પ્રદૂષિત હવાના કારણે લોકો ખાંસી, શરદી જેવા રોગથી પણ બીમાર પડી રહયા છે. મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે.સૌથી મહત્વની બાબત એ છે કે બોડકદેવ વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે.

એક તરફ ઠંડીની શરુઆત અને બીજી તરફ સતત પ્રદૂષિત શહેરની હવાના કારણે શરદી,ખાંસી જેવા રોગથી બચવા માટે શહેરીજનોને ઘરની બહાર નીકળતાની સાથે જ માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે.કોર્પોરેશન દ્વારા  હવાના પ્રદૂષણને ઘટાડવા માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય એવી સ્થિતિ નવરંગપુરા હોય  બોપલ હોય કે શહેરનો કોઈ પણ વિસ્તાર. વહેલી સવારે કે સાંજથી લઈ મોડી રાત સુધી લોકોને પ્રદૂષિત હવાના વાતાવરણ વચ્ચેથી પસાર થવુ પડે છે. મચ્છરજન્ય એવા મેલેરિયાના ૭૧, ઝેરી મેલેરિયાના ૩૨, ડેન્ગ્યૂના ૬૧ કેસ આ મહિનામાં નોંધાયા છે.ઝાડા ઉલટીના ૨૧૦,ટાઈફોઈડના ૧૬૪ તથા કમળાના ૯૯ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા પાણી સપ્લાય આપવામા આવે છે. આ પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી ૨૫ સેમ્પલ પીવાલાયક ના જણાતા અનફીટ જાહેર કરાયા છે. ૧૫ સેમ્પલમાં કલોરીન નીલ રીપોર્ટ આવ્યો છે.

ઈન્ફેકશન,શરદી અને કફના એક જ દિવસમાં ૧૪૩૩ કેસ

શહેરના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૮૬ જેટલા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. ૨૪ નવેમ્બરના રોજ આ અર્બન હેલ્થ સેન્ટરમાં ૭૭૭૪ દર્દીને આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી. આ પૈકી ૫૯૬૮ નવા દર્દી હતા.ઈન્ફેકશન સાથે શરદી અને કફના ૧૪૩૩ દર્દી એક જ દિવસમાં નોંધાયા હતા.તાવના ૮૪૮ કેસ, કમળાના ૫૭ કેસ નોંધાયા હતા.

ઝોન વાઈસ પાણીજન્ય રોગના કેસની પરિસ્થિતિ

ઝોન    કમળો  ટાઈફોઈડ  કોલેરા

મધ્ય   ૧૨     ૧૫

પશ્ચિમ  ૧૧     ૦૫

ઉ.પ.   ૦૬     ૦૨

દ.પ.   ૦૭     ૦૩

ઉત્તર   ૧૪     ૨૭

પૂર્વ    ૧૭     ૫૫

દક્ષિણ  ૩૪     ૭૪