Gujarat

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

By GS TEAM
19 Jun 20252 mins read
વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

 અમદાવાદ,ગુરુવાર,19 જુન,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનના મકાનમાં રહેતા જીતુભાઈ નામના બીમાર વ્યકિતનું મોત થયુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. સાડા ત્રણ ફુટ ભરાયેલા વરસાદના પાણીમાં એમ્બ્યુલન્સ જઈ ના શકતા આ વ્યકિતને સાયકલ રેકડીની મદદથી બહાર કાઢી સારવાર માટે મોકલાયા હતા.કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

 નિકોલમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં ગુરુવારે મધરાતે પડેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં બેથી અઢી ફુટ તથા આવાસ યોજનાના પ્રાંગણમાં ત્રણથી સાડા ત્રણ ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન બ્લોક નંબર-૯માં રહેતા જીતુભાઈને સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરવા એમબ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ પ્રાંગણમાં  વરસાદી પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ અંદર જઈ ના શકતા રહીશોે સાયકલ રેકડીની મદદથી તેમને બહાર લાવ્યા હતા.જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા હતા.આ અગાઉ પડેલા વરસાદમાં ઘીંકાટા વિસ્તારમાં આવેલી દુધવાળી પોળ પાસે આવેલા વીજ થાંભલાનો કરંટ લાગતા એક યુવાનનુ મોત થયુ હતુ. છતાં સત્તાધીશો  વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓની બેદરકારીને લઈ કોઈ જવાબ માંગતા નથી.કે નથી આ પ્રકારની ઘટનાને લઈ કોઈ શોક કે સંવેદના વ્યકત કરવા તેમની પાસે કોઈ બે શબ્દ.

મધુમાલતીના રહીશાને બોટ દ્વારા સલામત સ્થળે ખસેડાયા

મધુમાલતીના રહીશાના ઘરોમાં અઢી ફુટ તથા ઘર બહાર સાડા ત્રણ ફુટ વરસાદી પાણી ભરાયા હોવાનો વિડીયો રહીશોએ સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો. દરેક ઘર ખાલી કરાવી રહીશોને બોટ દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા.રહીશોએ આક્ષેપ કરતા કહયુ, ગયા વર્ષે પણ  આજ પરિસ્થિતિ હતી. આ વર્ષે પણ આ પરિસ્થિતિ છે.પાણી નિકાલ માટે વરસાદી લાઈન નાંખવાની જાહેરાત કરાઈ હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી.

પાણીમાં પડી જવાથી મોત થયુ હોવાની આશંકા

        નિકોલના મધુમાલતી આવાસ યોજનના રહીશ જીતુભાઈનુ મોત પાણીમાં પડી જવાથી થયુ હોવાની આશંકા વ્યકત કરાઈ છે. સ્થાનિક કોર્પોરેટર બળદેવભાઈ પટેલના કહેવા મુજબ, તેમના મકાનના સામાનને લઈ તેઓ ઉપરના માળ ઉપર ગયા હતા. ઘણાં સમય સુધી તેઓ ના દેખાતા રહીશોએ તપાસ કરી તો તેઓ પાણીમાં પડેલા જોવા મળ્યા હતા. ખરેખર તેમનુ મોત કઈ રીતે થયુ એ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થઈ શકશે.