નાપાક હરકતના પગલે ભુજ સહિત કચ્છમાં સજ્જડ બંધનો માહોલ
આકસ્મિક બંધના નિર્ણયે ચિંતા જગાવી
પોલીસ વેને બજારો બંધ કરાવતા ખરીદી માટે નીકળેલા લોકોને ખાલી હાથે પાછા ફરવું પડયું
ડેરીના દૂધના પાઉચ બગડી જવાનો ભય વ્યકત કરનારા નાના દુકાનદારોને દુકાન બંધ કરી બહાર કેેરેટ રાખવાની ફરજ પડી હતી. તો બાળકો માટે બિસ્કીટ કે વેફરના પડીકા ખરીદવા ઈચ્છનારાને ધસીને દુકાન ખોલીને આપવાની ના પાડી દેવાતી હતી.
શાકભાજીની પરંપરાગત સવારે ખરીદી માટે નીકળેલા મહિલા વર્ગે વીલે મોઢે પાછા ફરવું પડયું હતું. કાછીયાઓના કહેવા મુજબ બપોરે ત્રણ વાગ્યા બાદ છૂટ મળશે તો દુકાનો ખોલીને વેચાણ શરૂ કરશું. ત્રણ દિવસ આવક બંધ રહેવાની સંભાવના દર્શાવતા હોવાથી અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રકો જો આવે તો ચોથા દિવસે માલ પહોંચે તેમ હોવાનુું ચર્ચાતું હતું.
વરસાદી માહોલના કારણે કેરી સહિતના ફળોનો માલ બગડી જવાની અને શાકભાજી સુકાઈ જાય તો ભાવ ન મળવાની પીડા વેપારી વર્ગે વ્યકત કરી હતી.
જીવન જરૂરિયાત બની ગયેલા વાહનોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ ભરાવવા માટે પમ્પો ઉપર દ્વિચક્રી અને મોટરોના કાફલા સવારથી ઉભા રહી ગયા હતા.
કેટલાક પેેટ્રોલ પંપ વાળાએ જણાવ્યું કે ૩૦ ટકા માલ રિઝર્વ રાખીને બાકીને રૂા. ૧ હજારની મર્યાદામાં અપાશે.આવતીકાલે માલ આવ્યેથી રાબેતા મુજબ પૂરતો જથ્થો ફાળવાશે.
ફરસાણ મીઠાઈવાળા દુકાનદારો માલ બગડી જવાની ચિંતામાં ડૂબ્યા હતા.
ભુજના સ્વામિનારાયણ સહિતના મંદિરો સ્વયંભૂ બંધ રહ્યા હતા. ભુજના બસ પોર્ટ પર બહાર ગામ જવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. પોલીસે બજારો અને વાહનો બંધ કરાવતાં એકલ દોકલ વાહનો કે લોકો સિવાય કોઈ ન દેખાતાં કોરોના વખતનાં લોકડાઉન જેવી સૂમસામ પરિસ્થિતિ સર્જાતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
તંત્રની ઘરમાં રહેવાની અપીલના પગલે એક તરફ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું તો અવારનવાર સાયરનના અવાજોથી શું થયુું શું થયું તેવા મોબાઈલ ઉપર સવાલો પૂછાતા રહ્યા હતા.