અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર
- રેવાપુરી સીમમાં 400 પરિવારોને હાલાકી
- પાણી ભરાઈ જતા બાળકો શાળાએ જઈ શકતા નથી : 108 નહીં આવી શકતા દર્દીઓને પરેશાની
અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ કાચા રસ્તાને કારણે બારેમાસ વાહનોની અવર-જવર માટે તકલીફ રહે છે.
ચોમાસામાં પાણી ભરાઈ જતા એક માત્ર કાચા રસ્તા પર કિચડ, પાણીના સામ્રાજ્યના કારણે ૪૦૦ પરિવારો હાલાકીમાં મૂકાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, ચોમાસામાં કોઈ વાહન આવી ન શકતા મૃત્યુ પ્રસંગે અંતિમવિધિ માટે નનામી ટ્રેક્ટર બે કિ.મી. દૂર ગામના સ્મશાન સુધી લઈ જવા ડાઘૂઓ મજબૂર બન્યા છે.
સ્ટ્રીટ લાઈટ સહિત વીજ પુરવઠો ૨૪ કલાકના બદલે ૮ કલાક જ મળી રહ્યો છે. દૂધ ભરવા જવાના રસ્તો ન હોવાથી મહિલાઓને બે કિ.મી. ચાલીને ગામની ડેરી સુધી જવું પડે છે. બાળકો પણ બે કિ.મી. ચાલીને રેવાપુરી મંદિર પાસેની શાળાએ જવા મજબૂર બન્યા છે. ચોમાસામાં પાણી ભરાતા બાળકો શાળાએ નહીં જઈ શકતા અભ્યાસ બગડી રહ્યો છે.
વિસ્તારના લોકોને હૃદય રોગ, પ્રસૂતિમાં ચોમાસામાં ત્વરિત સારવાર મળતી નથી. ચોમાસામાં ૧૦૮ કે ખાનગી વાહન કિચડ, ખાડાવાળા રસ્તાના લીધે આવી નહીં શકતા દર્દીઓને સહન કરવાનો વારો આવે છે.
રસ્તાના કામ માટે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતા રેડવગાનો રસ્તો બનાવવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે. ત્યારે સત્વરે પાકો રસ્તો બનાવવા માંગણી છે.