Gujarat

લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર ગંદકી, રહીશો પરેશાન

By GS TEAM
29 Jul 20252 mins read
લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર ગંદકી, રહીશો પરેશાન

કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદન આપ્યું

બસ સ્ટેશન રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાયા, વાલ્મીકી નગર પાસે ગટર ઊભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ

લીંબડી - લીબડી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી નો નિકાલ ન થતાં તથા ઠેર ઠેર કચરાના ઢગલા થતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. જેને લઈને લીબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે લીબડી મામલતદાર કે.ડી.સોલંકી ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી. 

શ્રાવણ મહિના દરમિયાન લીંબડી શહેરમાં આવેલા શિવ મંદિરોે સહિતના અન્ય ધામક સ્થળો નજીક ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ભલગામડા ગેઈટ વાલ્મીકી નગર સહિતના જાહેર માર્ગો પર ગટરો ઉભરાતાં ભાવિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમજ ગંદકીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. તેમજ રેલવે સ્ટેશન રોડ પર આવેલી શક્તિ, બસેરા, અવધપુરી, સોસાયટીમાં ડોઢથી બે ફુટના ખાડા પડી જતા વરસાદી પાણી ભરાયા છે. તેમજ રેલ્વે સ્ટેશન નજીકની વીરમેઘ માયાનગર, શિવશક્તિ નગર ચુનારાવાડ સહિતના શહેરના તમામ છેવાડાના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અને ખાંડ ટેકરા વાળા રસ્તા પર થી નાના મોટા વાહનો નીકળી શકતાં નથી.  

સમસ્યાનો તાકિદે ઉકેલ નહીં આવે તો કોંગ્રેસની આંદોલનની ચીમકી

શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાયો રહે છે. જેથી પાલિકા તંત્ર દ્વારા વહેલી શહેરના તમામ વિસ્તારોમાં ગંદકી દૂર કરી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તથા બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં તેવી કોગ્રેસની સમિતિના કાર્યકરોની ઉગ્ર માંગ ઉઠી છે. જો પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. 

ચીફ ઓફિસર ઓફિસમાં ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ

લીંબડી નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની અવારનવાર ગેરહાજરી જોવા મળે છે. જો ચીફ ઓફિસર હોય તો પણ તેમની પાસે કોઈ અરજદાર રજૂઆત કરાવા જાય તો ઓફિસની બહારથી જ ના પાડવામાં આવે છે કે સાહેબ હાજર નથી. જેથી ચીફ ઓફિસર વગર ચાલતી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરને હાજર રહેવા માટેની માંગ ઉઠી છે.

પાલિકાની અણઆવડતના કારણે શ્રાવણના સોમવારે ભરાતો મેળો બંધ થયો

લીંબડી ભોગાવો નદીના કાંઠે આવેલા પૌરાણિક ચરમાળી દાદા મંદિરના પટાંગણમાં શ્રાવણ માસના સોમવારે મેળો ભરાતો હતો. પરંતુ પાલિકામાં ભાજપના ૨૮ સભ્યોની બોડી હોવા છતાં પણ પાલિકા દ્વારા તે જગ્યાએ વિકાસના કામો ન કરવામાં આવતાં મેળો છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયો છે. જેને કારણે શહેરીજનો  તથા નાના બાળકોને મનોરંજન માટે બહાર જવા મજબૂર બન્યા છે. તેમજ નાના માણ ના વેપાર ધંધા છીનવાઈ ગયા છે.