ભારે પવન, વરસાદને લીધે દ્વારકાધીશજી મંદિરે ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચડાવાઇ

મંદિરનાં શિખર સુધી પહોંચવું જોખમી બન્યું : દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાસે 12થી 15 ફૂટ ઊંચાં મહાકાય મોજાં ઉછળ્યાં
દ્વારકા, : દ્વારકામાં આજે વહેલી સવારથી તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન, વરસાદને લીધે દ્વારકાધીશજી મંદિરના શિખર પર ધ્વજા ચડાવવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બનતા વૈકલ્પિક જગ્યાએ બાવનગજની ધ્વજા ચડાવાઇ હતી, જ્યારે ગોમતી ઘાટે મોટાં મોજા ઉછળ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવાર ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી. બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સવારે ભારે પવન સાથે વરસાદ હોવાથી જગત મંદિરના શિખર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરના શિખર ઉપર ચડવું જોખમી બન્યું હતું. તેથી ભગવાન દ્વારકાધીશની ૫૨ ગજની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે પવન અને વરસાદી માહોલ હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવાય છે. વરસાદના પગલે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયો ગાંડોતુર થયો હોય તેમ ગોમતીઘાટ ઉપર 12થી 15 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ઘાટ ઉપર તે પાણી વહેતા થયાના દ્રશ્યો કેદ થયા હતા.









