લોકોની સજાગતાના કારણે પરિણીતા સુરક્ષિત ઘેર પહોંચી,યાદશક્તિ ગુમાવતી પરિણીતા કલાકો સુધી સિનેમાગૃહ બહાર બેસી રહી
વડોદરા,તા.18 જાન્યુઆરી,2020,શનિવાર
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં લોકોની જાગૃતિના કારણે એક યુવાન પરિણીતા સુરક્ષિત રીતે ઘેર પહોંચી હતી.
પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતા યાદશકિત ગુમાવી દેતી હોવાથી તેના દાંપત્ય જીવનમાં પણ વિખવાદ સર્જાયો હતો અને આખરે તેને પિયરમાં મોકલી આપવામાં આવી હતી.
યાદશકિત ગુમાવી દેવાના કારણે પરિણીતાના પિયરીયા પણ ચિંતીત રહેતા હતા.ગઇકાલે પરિણીતા ક્યાંક ચાલી ગઇ હતી.પરિણીતાના પિયરીયાએ તપાસ કરી પરંતુ તેનો પત્તો લાગ્યો નહતો.
બીજીતરફ પ્રતાપનગરના સિનેમાગૃહની બહાર પરિણીતા બેસી રહી હતી.ત્રણ-ચાર કલાક સુધી તે એક જ સ્થળે ગુમસુમ બેસી રહેતાં એક સ્થાનિક રહીશને શંકા ગઇ હતી અને તેણે પૂછપરછ કરી હતી.
પરિણીતા કાંઇ જ બોલતી નહીં હોવાથી લોકો ભેગા થયા હતા અને તેની વધુ પૂછપરછ કરી હતી.પરંતુ તે કોઇને જવાબ આપતી નહતી.આખરે,તેને સુરક્ષિત રીતે ઘેર પહોંચતી કરવા માટે અભયમની મદદ લેવાઇ હતી.અભયમની ટીમે તેનું પર્સ ચેક કરતાં અંદરથી બેન્કની પાસબૂક મળી હતી અને તેની અંદરના સરનામાના આધારે પરિણીતાને ે સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપી હતી.