હોડીવાળા વચ્ચે વિવાદને કારણે ઉત્તર વાહીની પરિક્રમા કરનારા ભાવિકો અટવાયા: માનવ સાંકળ રચી કેડ સમા પાણીમાં ચાલીને નર્મદા પાર કરી
વડોદરાના એક ભાવિકે મામલતદારને ફોન કર્યો તો ઉદ્ધત જવાબ મળ્યો તમે અમારી જાનમાં આવ્યા છો તે સુવિધા આપવાની
વડોદરા, તા. 26 માર્ચ 2023 રવિવાર
ચૈત્ર માસમાં ઉત્તર વાહીની નર્મદા પરિક્રમા કરવાનો મહિમા રહેલો છે ત્યારે આજે નર્મદા નદી પાર કરાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર હોડીના કોન્ટ્રાક્ટર અને હોડી ચલાવનારા વચ્ચે વિવાદને કારણે હોડી રાત્રે 1:00 વાગ્યાથી બંધ કરી દેતા ઉત્તરવાહિની પરિક્રમા કરવા પહોંચેલા 25 થી 30 હજાર જેટલા ભાવિક ભક્તો અટવાઈ પડ્યા હતા અને માનવ સાંકળ બનાવી કેડ સમા પાણીમાંથી નર્મદા નદી પાર કરવાનો વારો આવ્યો હતો.
ચૈત્ર માસ દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાનો મહિમા રહેલો છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસંખ્ય ભાવિકો ઉત્તર વાહિની પરિક્રમા કરવા નર્મદા જિલ્લાના રામપુરા ગામ થી શરૂ કરી બે વખત નર્મદા નદી હોડીમાં પાર કરીને ફરી રામપુરા સુધી પહોંચતા હોય છે ત્યારે રામપુરા થી મધ્યરાત્રી અનેવહેલી સવારે ઉત્તર વાહિની પરિક્રમા કરતા કરતા નર્મદા નદીના તટ ખાતે પહોંચ્યા હતા ત્યારે હોડીઓ અચાનક બંધ કરી દેવામાં આવી હોવાથી ભાવિકોએ તપાસ કરતા કોન્ટ્રાક્ટર અને હોળી ચલાવનાર વચ્ચે આંતરિક વિવાદને કારણે હોડી સેવા બંધ કરી દીધી હતી જેથી નર્મદા નદીના તટમાં 25 થી 30 હજાર જેટલા ભાવિક ભક્તોની ભીડ જામી હતી. સવારે અજવાળું થતા સુધી ભાવિક ભક્તોએ હોડી ચાલુ થશે તેની રાહ જોઈને ઊભા રહ્યા હતા પરંતુ હોળી શરૂ નહીં થતા આખરે નદીમાં કેડ સમા પાણીમાંથી ચાલીને લોકો સામે કિનારે તિલકવાડા તરફ પ્રયાણ કરવાની ફરજ પડી હતી અને હાલની અપૂરતી સુવિધા અંગે પ્રશાસન પર રોષ ઠાલવ્યો હતો.
આ અંગે જાનકીદાસ બાપુ એ જણાવ્યું હતું કે ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્રી માસ દરમિયાન દર વર્ષે કરવામાં આવે છે જેમાં દરરોજ અસંખ્ય ભાવિક ભક્તો જોડાઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રશાસન ને લેખિતમાં અરજી આપી બે સ્થળે બ્રિજ બનાવવા માંગણી મૂકી છે તદ ઉપરાંત જ્યાં સુધી બ્રિજ થાય નહીં ત્યાં સુધી નાવડીની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી ભાવિક ભક્તોને વધુ સમય રાહ જોઈને ઊભા રહેવું પડે નહીં.
સુરતના એક ડોક્ટરે જણાવ્યું કે પરિવાર સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા આજે આવ્યા છે પરંતુ હોળી બંધ હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેથી વધુ નાવડી મૂકવામાં આવે અને આવતા વર્ષ સુધી બે બ્રિજ બનાવવા જોઈએ.
વડોદરા કોર્પોરેશનના નિવૃત્ત અધિકારી ગાંગેરા એ જણાવ્યું હતું કે નર્મદા તટ ખાતે પહોંચ્યા ત્યારે ખબર પડી કે હોડીઓ વાળા વચ્ચે વિવાદ થયેલો છે અને તેની જાણકારી માટે આ વિસ્તારના મામલતદારને ફોન કરીને વધુ હોડી મૂકી સુવિધા આપવા માંગણી કરતા મામલતદાર એ જણાવ્યું કે તમને અહીં કોણે બોલાવ્યા છે તમે અમારી જાનમાં આવ્યા છો કે તમને બધી સવલત આપવાની તેમ કહી ઉદ્ધત જવાબ આપ્યો હતો.