દૂધ સાગર ડેરીના ચેરમેન-વા.ચેરમેનનો જૂથવાદ સપાટીએ
- ડેરીમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલની વરણી થઈ ત્યારથી બંને વચ્ચે વિખવાદ ચાલતો હતો
- ભાજપ સમર્થિત ડેરીના ડિરેકટરો આમને સામને આવી ગયા : વાઈસ ચેરમેનની સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યાનો આક્ષેપ : સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચતા દૂધીયા રાજકારણમાં ગરમાવો
મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરીમાં વર્ષ-૨૦૨૪માં ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે યોગેશ પટેલની વરણી ભાજપ સંગઠનની મધ્યસ્થીથી કરવામાં આવી હતી. જોકે આ બંને હોદ્દેદારો વચ્ચે ત્યારથી આંતરિક ટાંટિયા ખેંચ ચાલી રહી હતી. તેવામાં શુક્રવારે બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક મળી હતી. જેમાં કથિત ગેરરીતિના મામલે વાઈસ ચેરમેન દ્વારા પ્રશ્નો પુછવામાં આવતાં ચેરમેને એકાએક આવેશમાં આવી જઈને તેઓને લાફા ચોડી દીધા હતો.તેમજ તેઓની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાંખ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો અને વર્તમાન ચેરમેન તેમજ અન્ય ડીરેકટર સામે ફરીયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી. હાલમાં ડેરીમાં ભાજપ સમર્થિત સત્તાધીશ ડીરેકટરોમાં છેલ્લા કેટલાક સમયથી ઘુઘવાઈ રહેલ અસંતોષ સામે આવી જતાં ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન પદ માટે ભાજપે માણસા પંથકમાંથી ચુંટાયેલા ડીરેકટર યોગેશ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળતાં તેઓ બિનહરીફ થયાં હતા.પરંતુ તે વખતે વર્તમાન ચેરમેને અશોક ચૌધરીએ છ માસ માટે યોગેશ પટેલ અને પાછલા એક વર્ષ માટે રમીલાબેન ઠાકોર વાઈસ ચેરમેન રહેશે તેવું નિવેદન મિડીયા સમક્ષ કરતાં વિવાદ વકર્યો હતો.જેના પ્રત્યુત્તરમાં નવનિયુકત વાઈસ ચેરમેન યોગેશ પટેલે ભાજપ મોવડી મંડળે મને સવા વર્ષ માટે મેન્ડેટ આપ્યો હોવાનું તેમજ હું વ્યકિતને નહીં પાર્ટીને પ્રેમ કરૂ છું તેમ જણાવ્યું હતું.જોકે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન દૂધસાગર ડેરીમાં ભાજપ પ્રેરિત બંને જૂથના મુખ્ય હોદ્દેદારો ચેરમેન અને વાઈસ ચેરમેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચાલતો હોવાની ચર્ચા ઊઠી હતી. ત્યારે શુક્રવારે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલને તમાચો ઝીકી દેતાં બંને હોદ્દેદારો વચ્ચેનો વિખવાદ સપાટી પર આવી ગયો હતો.
નિયામક મંડળની ચૂંટણી બાદ ચેરમેનના હોદ્દા માટે વિવાદ થયો હતો
મહેસાણા ખાતેની દૂધ સાગર ડેરીના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી બાદ ભાજપ સમર્થિત પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારબાદ ડીરેકટર તરીકે ચુંટાયેલા પૈકીમાંથી અશોક ચૌધરી અને કનુભાઈ ચૌધરીએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેથી નવા હોદ્દેદારોની પસંદગી માટ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરીક્ષકો દ્વારા સંસદસભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓના સેન્સ લેવામાં આવ્યા હતા.જેમાં પક્ષના મોવડી મંડળે વિવાદ ખાળવા રસ્તો કાઢીને ચેરમેન માટે અશોક ચૌધરી તેમજ વાઈસ ચેરમેન તરીકે યોગેશ પટેલના મેન્ડેટ ઈશ્યુ કરતાં બન્ને હોદ્દેદારોને બિનહરીફ થયા હતા.
બોર્ડની બેઠકમાં પ્રશ્નો પૂછતાં મારી ઉપર હુમલો કરાયો : યોગેશ પટેલ
વાઈસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતુ કે મે જ્યારે આજની બોર્ડની બેઠકમાં ડેરી ઉપર બેન્કોનું રૂ.૧૭૯૦ કરોડના દેવા અંગે સાગર પત્રિકામાં છપાયેલી હકીકતનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ચેરમેન અશોક ચૌધરી તથા ડીરેક્ટર દીલીપ ચૌધરીએ ઉશ્કેરાઈ જઈ મારી ઉપર હુમલો કર્યો હતો અને ચશ્મા અને સોનાની ચેન તોડી નાંખી હતી. હું ભાજપાનો સૈનિક હોઈ પક્ષની છબી ખરડાય નહીં તે માટે તેનો કોઈ પ્રતિકાર કર્યો ન હતો. જ્યારે આ અંગે મેં મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવા અરજી આપી છે.
લાફા માર્યા હોવાના આક્ષેપ પાયાવિહોણા છે : અશોક ચૌધરી
દૂધ સાગર ડેરીની મળેલી બોર્ડ મિટીંગમાં થયેલા હોબાળા અંગે ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બોર્ડની મિટીંગમાં હાજર વાઈસ ચેરમેન યોગેશ પટેલે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેનો સંતોષકારક ખૂલાસો આપવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ ઉગ્ર થઈન જાતે બોર્ડ મિટીંગ છોડીને જતા રહ્યા હતા. વધુમાં તેમણે વાઈસ ચેરમેનને લાફા માર્યા હોવાના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવી ડેરીના પારદર્શક અને કરકસરથી ચાલતા વહિવટને બદનામ કરવાનું કાવતરૂ ગણાવ્યું હતું.