સાયબર ક્રાઇમના ગુનામાં દુબઇ કનેક્શન ખુલ્યું: આંતરરાષ્ટ્રીય કૌભાંડની શક્યતા
હિરલબાની વોટ્સએપ ચેટમાં સાયબર ક્રાઇમના પુરાવા મળ્યા : સાયબર ક્રાઇમ સિવાયના પણ મોટી રકમના આર્થિક વ્યવહારો બેંક ખાતાઓમાં થયા, 40થી વધુ ખાતામાં રૂપિયાની હેરાફેરી થઇ હતી
પોરબંદર, : સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબા તથા તેના સાગરિતના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે ગ્રામ્ય ડીવાય. એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી હોવાનું જણાવ્યું હતું. આ સાયબર ક્રાઇમના ગુનામાં દુબઇથી નેટવર્ક ઓપરેટ થતંુ હોય તેવા પણ કેટલાંક પુરાવાઓ મળ્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કૌભાંડ ચાલતંુ હોવાની શકયતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, હિરલબા જાડેજાના વોટ્સએપ ચેટમાં નાણાની હેરાફેરીના પુરાવા પોલીસને હાથ હોવાનું જણાવ્યું હતું.
ગ્રામ્ય ડીવાય.એસ.પી. સુરજીત મહેડુએ વિગતો આપી જણાવ્યંુ હતું કે, સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસને મજબૂત પુરાવાઓ હાથ લાગ્યા છે અને આ ગુનામાં હિરલબાની જ સીધી સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે. તપાસમાં એવી વિગત બહાર આવી છે કે અલગ-અલગ બેન્કના ૪૦થી વધુ ખાતા ખોલવામાં આવ્યા હતા અને ૫૦થી વધુ સાઇબર ક્રાઇમની ફરિયાદની રકમ આ ખાતાઓમાં ટ્રાન્ઝેકશન થયાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.
હિરલબાના વોટ્સએપ ચેટમાં આ ગુના સંબંધિત મહત્વના પૂરાવા મળી ચૂકયા છે. જેમની સામે સાઇબર ક્રાઇમના ગુના અલગ-અલગ રાજ્યમાં નોંધાયા છે તે આરોપીઓ સાથેની હિરલબાની ચેટ પ્રાપ્ત થઇ છે. જે રૂપિયાના ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા તેની પહોંચના ફોટા, ઓનલાઇન ટ્રાન્સફર થયુ હોય તેના પુરાવા, કાગળમાં હિસાબ અને લખાણ કર્યા હોય તેના પુરાવાથી માંડીને સાઇબર ક્રાઇમની નોટિસ મળી હોય તેવી નોટિસ પણ હિરલબાના વોટ્સએપ ચેટમાંથી મળી છે. સહી કરેલા સેલ્ફના અને કોરા ચેકના ફોટા પણ હિરલબાના વોટ્સએપમાંથી મળ્યા છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ સાયબર ક્રાઇમના ગુનામાં દુબઇથી નેટવર્ક ઓપરેટ થતું હોય તેવા પણ કેટલાંક પુરાવાઓ મળ્યા છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડ ચાલતું હોય તેવી શકયતા છે અને આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી પણ ટૂંક સમયમાં ખુલે તેવી શકયતા જણાઇ રહી છે. રિમાન્ડ દરમિયાન પણ હજુ અનેક વિગતો હિરલબા અને હિતેશ ઓડેદરા પાસેથી મળે તેવી શકયતા પોલીસે દર્શાવી છે.
હિરલબા તમામ ગતિવિધિથી વાકેફ હતા વધુ 26 લાખ રૂપિયાનાં ટ્રાન્ઝેકશન અંગે પૂછપરછ : બેન્કમાંથી હિરલબાના સાગરિતોના CCTV ફૂટેજ મેળવાયા
પોલીસે વિગત આપી હતી કે અન્ય રાજ્યમાં ડિજિટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા તે પૈકીની રકમ હિરલબા જાડેજાએ સુરજ પેલેસ ખાતે ખોલાવી દીધેલા ખાતામાં જમા થઇ તે પુરાવાથી માંડીને સાઇબર ક્રાઇમના એ ડિજિટલ એરેસ્ટના ગુનામાં નાની નાની ગતિવિધિ ઉપર હિરલબા સતત દેખરેખ રાખતા હતા અને વિગતો મેળવતા હતા તે વોટસએપ ચેટમાં પ્રાપ્ત થયું છે.
પોલીસે બેન્ક અને એ.ટી.એમ.ના સી.સી. ટી.વી. ફૂટેજ તપાસતા હિરલબાના સાગરીતો બેન્ક અને એ.ટી.એમ. ખાતેથી નાણા ઉપાડતા હોય તેવા દ્રશ્યો પણ એકત્ર કરી લીધા છે. જે તે એકાઉન્ટ ધારકને સાથે રાખવામાં આવ્યો હોય અને નાણાં ઉપાડી લીધા બાદ તેમને ફદીયુયે આપવામાં આવ્યું ન હોય તેવું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં જાહેર થયું છે. આ ગુનામાં પ્રાથમિક તબકકે ડિજિટલ એરેસ્ટ સહિતના 4 કરોડ રૂપિયાના સાઇબર ક્રાઇમના ગુનામાંથી 35 લાખ 70,000 જેવી રકમ પોરબંદરના જુદા જુદા એકાઉન્ટમાં જમા થઇ હતી. તે ઉપરાંત વધુ ૨૬ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેકશન થયાનું ખૂલ્યુ છે તેથી રિમાન્ડ દરમિયાન આ મુદ્દે વધુ માહિતી બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.