For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તા. 1 જાન્યુઆરી 2024ના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, કોંગ્રેસ લખી રાખે- અમિત શાહ

Updated: Nov 21st, 2022

Article Content Image

વડાપ્રધાન પછી કેન્દ્રીય ગૃહમંત્રીનો સૌરાષ્ટ્રમાં પ્રચાર : માળીયા હાટીના, કોડીનાર અને ખંભાળિયામાં સભામાં રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા અને ભાજપ  સરકારની સિધ્ધિ વર્ણવી

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસમાં ધોરાજી,અમરેલી, બોટાદ અને વેરાવળમાં સભા સંબોધ્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં પ્રચારનું રણશીંગુ ફૂંકીને કહ્યું કોંગ્રેસ 2017માં કટાક્ષ કરતી કે રામમંદિર વહી બનાયેંગે પણ તિથિ નહીં દેંગે તો કોંગ્રેસના નેતાઓ લખી રાખે, તા. 1 જાન્યુઆરી 2024ના ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્રણેય સભામાં તેમણે મુખ્યત્વે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા. 

પાંચ વર્ષ પહેલા કોંગ્રેસના ગઢ રહેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની સભામાં  કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર નર્મદા ડેમનું પાણી રોકવાના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીરમાં ક. 370 ભાજપ સરકારે હટાવી છે પુલવામા હુમલા વખતે સર્જીકલ સ્ટ્રાઈક કરીને નરેન્દ્ર મોદીએ ભારતીય સીમા સાથે છેડછાડ નહીં કરવાનો વિશ્વને મેસેજ આપી દીધો છે. ભારતીય સેનાની વીરતા પર શંકા કરનાર આજે ગુજરાત પર રાજ કરવા નીકળ્યા છે. ભારતમાં કોરોના નિ:શૂલ્ક રસીકરણ, માછીમારોને સબસિડી, પીએમ કિસાન કાર્ડ સહિત સરકારની સિધ્ધિઓ વર્ણવી હતી.

જામખંભાળિયાની સભામાં તેમણે કહ્યું સૌરાષ્ટ્રમાં અગાઉ ગુંડાઓ, માફિયાઓનો ત્રાસ હતો તેનાથી ભાજપે મુક્તિ અપાવી છે. બેટ દ્વારકા ધર્મસ્થળમાં થયેલા અનધિકૃત દબાણો હટાવવા તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે રામમંદિર ઉપરાંત કેદારનાથ, બદ્રીનાથ, મહાકાલેશ્વર, અંબાજી, પાવાગઢ વગેરે ધર્મસ્થળોના કરેલા વિકાસને વર્ણવ્યો હતો.  જુનાગઢ જિલ્લાની માળિયા હાટીનાની સભામાં કોંગ્રેસ-આપ ઉપર આક્ષેપો કર્યા અને જણાવ્યું કે સરદાર પટેલ ન હોત તો આજે જુનાગઢ પાકિસ્તાનનું હોત. સરદારનું સૌથી મોટુ સ્ટેચ્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે, સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ પાણી પહોંચાડયું છે. 

Gujarat