રાજ્યમાં કાલથી સુકુ હવામાન પણ તા. 5થી 7 ઝાપટાં વરસવાની વકી

બંદરોએ ચેતવણીસૂચક સિગ્નલો ઉતારી લેવાયા : દરિયો શાંત : અંજારમાં સવા 4 ઈંચ, : ભાવનગર જિ.માં અર્ધાથી દોઢ ઈંચ વર્ષાઃ વડોદરા,અમદાવાદ જિ.માં વરસાદ : સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ
રાજકોટ, : સપ્તાહથી કમોસમી માવઠાંના માહૌલ બાદ આજે મોસમ વિભાગે રાહત આપતી આગાહી કરી છે, જે મૂુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું કોઈ એલર્ટ નથી અને તા.૫થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સુકુ હવામાન રહેવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. જો કે બીજી તરફ, તા.૪,૫ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે.
સૌરાષ્ટ્રના બંદરોમાં માત્ર બે મહિનામાં દરિયો તોફાની કરતી ચાર વખત સીસ્ટમ આવી છે જેના પગલે માછીમારોની હાલત કફોડી બની ગઈ હતી પરંતુ, આજે દિવસો બાદ ચેતવણી સૂચક સિગ્નલો એલ.સી.-૩ ઉતારી લેવા સૂચના અપાઈ હતી અને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા કોઈ સૂચના નથી. ગુજરાતને ધમરોળનાર અરબી સમુદ્રનું ડીપ્રેસન સૌરાષ્ટ્રના કાંઠા પાસે આવીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે અને વિખેરાઈ જશે.
દરમિયાન, આજે કચ્છના અંજારમાં ધોધમાર સવા ત્રણ ઈંચ અને રાપર,ભચાઉમાં ઝાપટાં, તથા ભાવનગર જિ.ના ઘોઘામાં દોઢ ઈંચ અને પાલીતાણામાં અર્ધો ઈંચ ,ખંભાળિયા,બોટાદ,ચુડા તા.માં હળવા ઝાપટાં જ્યારે રાજ્યના બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,પાટણ વગેરે જિ.માં છૂટોછવાયો હળવો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વિરામ રહેતા ખેડૂતોએ અને અન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં બુધવારથી ત્રણ-ચાર દિવસ સુધી સવારના તાપમાનમાં 4 સે. સુધીનો ઘટાડો થવાની આગાહી છે જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. આજે રાજ્યમાં સવારનું તાપમાન સરેરાશ 25 સે.અને મહત્તમ તાપમાન 32 સે.આસપાસ રહ્યું હતું.

