- આણંદ શહેરના વ્યાયામશાળા રોડ ઉપર
- ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ, પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
આણંદ : આણંદ શહેરના વ્યાયામશાળા રોડ ઉપર નશામાં ચકચૂર કાર ચાલકે એક એસટી બસ સાથે પોતાનું વાહન અથડાવતા અકસ્માત સર્જ્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ નશામાં ચકચૂર કાર ચાલકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મહીસાગર જિલ્લાના કડાણાના વતની અને એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ભુલાભાઈ પટેલ રવિવારે સાંજના આણંદના એસટી ડેપો ખાતેથી બસ લઈને તારાપુર તરફ જવા નીકળ્યા હતા. સાંજના સુમારે બસ વ્યાયામશાળા રોડ ઉપરથી પસાર થઈ રહેતી ત્યારે સામેથી પૂરપાટ ઝડપે કાર આવી ચડતા એસટી બસના ચાલકે એસ.ટી.બસ થંભાવી દીધી હતી. દરમિયાન કાર પૂરઝડપે આવીને ધડાકાભેર એસટી બસ સાથે અથડાતા બંને વાહનોને નુકસાન થયું હતું. તપાસ કરતા કારચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારચાલકનું નામઠામ પૂછતા ચાલકે યસ કિરણભાઈ બારોટ (રહે. સુરત) હોવાની ઓળખ આપી હતી. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


