વડોદરા, ભારદારી વાહનોના ચાલકો દારૃ પીને તથા પૂરઝડપે વાહન ચલાવતા હોઇ નિર્દોષ લોકોના જીવ જાય છે. ગઇકાલે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન રેતી ભરેલું ડમ્પર લઇને જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો છે.
અટલાદરા ચેક પોસ્ટ પાસે ગઇકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી. રાત્રે એક વાગ્યે એક ડમ્પર ચાલક સ્વામિ નારાયણ મંદિર તરફથી પૂરઝડપે આવતો હતો. પોલીસને શંકા જતા ડમ્પર ચાલકને ઊભો રાખી તપાસ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. ડમ્પર ચાલકે પોતાનું નામ કિશોરસિંહ જશવંતસિંહ ચાવડા, ઉં.વ.૩૫ (રહે. નાના જોરાપુરા,તા. ઠાસરા,જિ. ખેડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ડમ્પર કબજે લઇ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે. ડમ્પર ચાલક સાવલીથી રેતી ભરીને આવ્યો હતો. સિટિમાં જે સાઇટ પર રેતી ખાલી કરવાની હતી. તે સાઇટ પર રેતી સારી નહીં હોવાથી કોન્ટ્રાક્ટરે ખાલી કરાવી નહતી. જેથી, રેતી ભરેલું ડમ્પર લઇને તે પાદરા જતો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એક દિવસમાં જ ભારદારી વાહનોના કારણે ત્રણ સિનિયર સિટિઝનોના મોત થયા હતા.


