Get The App

નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી

ચાલતી જતી એક મહિલાને પણ અડફેટે લેતા ઇજા : કારમાં બિયરનું ટીન હોવાની ચર્ચા

Updated: Apr 7th, 2025

GS TEAM

Google News
Google News
નશેબાજ કાર ચાલકે ૭ થી ૮  વાહનોને ટક્કર મારતા અફરાતફરી 1 - image

વડોદરા,ખોડિયાર નગર વિસ્તારમાં રાતે નશેબાજ  કાર ચાલકે રોડની સાઇડમાં પાર્ક કરેલા સાત થી આઠ વાહનોને ટક્કર મારી હતી. તેમજ ચાલતી જતી એક મહિલાને  પણ અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. લોકોએ કાર ચાલકને ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો. બનાવના પગલે ડીસીપી પન્ના મોમાયા સ્થળ પર દોડી ગયા હતા અને ટોળાને વિખેરી નાંખ્યા હતા.

શહેરમાં દારૃ પીને ફોર વ્હીલર ચલાવતા કાર ચાલકો રોજ પકડાય છે. કેટલાક કિસ્સામાં નિર્દોષ રાહદરીઓના જીવ  પણ જોખમમાં મૂકાય છે. આજે રાતે ખોડિયાર નગર ચાર  રસ્તાથી વારસિયા રીંગ રોડ તરફ જવાના રોડ પર પૂરઝડપે આવતા નશેબાજ  કાર ચાલકે અકસ્માતની વણજાર સર્જી હતી. રોડની સાઇડ પર પાર્ક  કરેલી બે રિક્ષા અને ટુ વ્હીલર સહિત સાત થી આઠ વાહનોને ટક્કર મારી હતી. તેમજ ચાલતી જતી એક મહિલાને પણ ઇજા પહોંચાડી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડયો હતો. બનાવની જાણ થતા ડીસીપી પન્ના મોમાયા તથા વારિસયા પોલીસ સ્ટેશનના પી.આઇ.એસ.એમ. વસાવા ઘટના સ્થળે દોડી ગયો હતા. લોકોએ નશેબાજ કાર ચાલકને પોલીસને સોંપી દીધો હતો.  સ્થળ પર  હાજર ટોળામાંથી મળતી માહિતી મુજબ, કારમાં બિયરનું ટીન પણ  હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નશેબાજ કાર ચાલક મિતેશ રમેશભાઇ બારિયા (રહે. તિલકવાડા, જિ.નર્મદા) ને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

Tags :