Gujarat

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા

By GS TEAM
31 Jul 20252 mins read
હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા

વડોદરા,હરણી એરપોર્ટ  પાસે રાતે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે  દોડી ગઇ હતી. 

વધુ એક નશેબાજ કાર ચાલકે આજે રાતે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો. ટુ વ્હીલર લઇને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઇ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતા. ટક્કર મારીને ફરાર થઇ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો. કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો. સંગમ ચાર રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ  હોમ ચાર રસ્તા તરફ થઇને હરણી વારસિયા રિંગ રોડ પંચશીલ કોમ્પલેક્સ તરફ ભાગ્યો હતો. ત્યાં એકતરફ રોડનું કામ ચાલતું હોઇ કાર ધીરે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલકને ઝડપી પાડયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા. આ બંને વ્યક્તિઓ દારૃના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. દરમિયાન પોલીસ આવી જતા કારમાં સવાર બંને યુવકોને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.


કારમાં જ દારૃની પાર્ટી કરતા હોવાની શંકા

કારમાંથી દારૃની પાંચ  થી છ બોટલ અને ગ્લાસ મળ્યા

વડોદરા,

કારનો પીછો કરીને લોકોએ ચાલકને ઝડપી પાડયા પછી કારમાં તપાસ કરતા દારૃની બોટલો, ગ્લાસ અને નાસ્તાના પેકેટ મળી આવ્યા હતા. કારમાં અલગ - અલગ બ્રાંડની પાંચ થી છ બોટલો હતી. કારમાં સવાર બંને વ્યક્તિઓ ચાલુ કારમાં જ પાર્ટી કરતા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચીને બંનેને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.


શહેરમાં નશેબાજો સુધરવાનું નામ લેતા નથી

 વડોદરા,

વડોદરામાં હોળી ટાણે મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ વ્યક્તિઓને અડફેટે લેતા હાહાકાર મચી ગયો હતો.જેમાં એક મહિલાનું મોત થયું હતું.ત્યારબાદ  પોલીસ દ્વારા એકાદ મહિના સુધી રોજ રાતે ચેકિંગ કર્યુ હતું. તેમછતાંય નશેબાજો સુધરવાનું નામ લેતા નથી.



કારમાં સવાર બંને નશેબાજોને લોકોએ મેથીપાક ચખાડયો

 વડોદરા,

પંચશીલ કોમ્પલેક્સ પાસે ઝડપાયા પછી લોકોએ બંનેને મેથીપાક ચખાડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, કારમાં સવાર બંને વ્યક્તિઓ હાલોલ તરફથી આવ્યા હતા. ગોલ્ડન ચોકડી નજીક એક  હોટલમાં જમ્યા પછી તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો. કારમાં સવાર નિલેશ રાજપૂત અને સતિષ ચૌહાણની સામે  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.