Get The App

નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ 1 - image

- નડિયાદના ફતેપુરા રીંગ રોડ પર અકસ્માત

- નડિયાદ ટાઉન પોલીસ અકસ્માત સર્જનાર શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : નડિયાદના ફતેપુરા રીંગ રોડ પર આવેલા ભાટના કુવા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં મોટરસાયકલ ચલાવી રહેલા એક શખ્સે માર્ગની સાઈડમાં રમી રહેલી ૭ વર્ષની માસૂમ બાળકીને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ એકઠાં થઈ પોલીસને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના ફતેપુરા રીંગ રોડ પાસે આવેલા ભાટના કુવા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પરમારની ૭ વર્ષની દીકરી આરોહી જે જુનિયર કેજીમાં અભ્યાસ કરતી હતી. આરોહી ઘર પાસે સિંગલ પટ્ટી રોડની સાઈડમાં રમી રહી હતી. ત્યારે અચાનક પૂરપાટ ઝડપે એક મોટરસાયકલ ત્યાંથી પસાર થઈ હતી. બાઈક ચાલક નશાની હાલતમાં હોવાથી તેને વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ કેનાલની રેલિંગ તોડીને સીધી માસૂમ આરોહી સાથે અથડાઈ હતી. જેથી બાળકી રોડ પર પટકાઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં આરોહીને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં નશાખોર વાહન ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ લોકોએ ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ નડિયાદ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર નશામાં ધૂત યુવકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ચાલક નશાની હાલતમાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ બાળકીના મોતના પગલે સમગ્ર નડિયાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.