એસઓજીએ 27 કેસો કરી 38 આરોપીઓની ધરપકડ કરી
યુવા વર્ગમાં એમ.ડી. ડ્રગ્સનું જ્યારે શ્રમિક વર્ગમાં ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક
રાજકોટ: ગુજરાત હાલ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં છે, જેમાંથી રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમાં ગત વર્ષે એકલા એસઓજીએ જ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી પાડયું હતું. તેના પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી ગયું છે. તેમાં પણ ખાસ કરીને યુવાવર્ગમાં વધતુ જતુ ડ્રગ્સનું દૂષણ વાલીઓની ચિંતા વધારે તેવું છે.
૨૦૨૫ની સાલમાં એસઓજીએ ૭૪૮.૫૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડયું હતું. જેની બજાર કિંમત રૂા.૬૨.૩૦ લાખ છે. મેફેડ્રોનનાં ૧૨ કેસો કરી કુલ ૧૭ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. રેલનગર વિસ્તારમાં એક દુકાનમાં ખુલ્લેઆમ એમ.ડી. ડ્રગ્સ વેંચાતું હતું. જ્યાંથી ૩૦૦ ગ્રામનો રેકોર્ડબ્રેક જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
યુવા વર્ગ, હાયર અને લોઅર મિડલ ક્લાસમાં જ્યાં એમ.ડી. ડ્રગ્સનું ચલણ વધુ છે ત્યા શ્રમિક વર્ગમાં ગાંજાનું ચલણ ચિંતાજનક રીતે વધ્યું છે. ૨૦૨૫ની સાલમાં એસઓજીએ ૧૧૪.૧૯ કિલો ગાંજો કબજે કર્યો હતો. જેની કિંમત રૂા.૧૩.૫૭ લાખ છે. ગાંજાનાં ૧૩ કેસોમાં કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. શહેરમાંથી ૨૦૨૫ની સાલમાં હેરોઇનનાં બે કેસો એસઓજીએ કરી રૂા.૨૧.૮૨ લાખનો ૪૩૬.૪૭ ગ્રામ જથ્થો કબજે કર્યો હતો.
એસઓજીનાં પી.આઇ. સંજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૨૦૨૫ની સાલમાં ડ્રગ્સ પેડલરો ઉપર અભિયાનનાં ભાગરૂપે ધોંસ બોલાવવામાં આવી હતી. ડ્રગ્સ સિન્ડીકેટને તોડી નાખવા માટે પૂરતા પ્રયાસો કરાયા છે. આજ કારણ છે કે હાલમાં મોટી ક્વોન્ટીટીમાં જથ્થો પકડાઇ રહ્યો નથી. રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં ગાંજાનાં વાવેતરો ઉપર પણ મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે.
- છ સાત કેમિકલનાં મિશ્રણથી બનતું એમડી ડ્રગ ખૂબ હાનિકર્તા
હાલમાં યુવાનોમાં એમ.ડી. ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. સિંન્થેટીક ડ્રગ્સની વ્યાખ્યામાં આવતું એમ.ડી. ડ્રગ્સ ૬ થી ૭ કેમિકલના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ ડ્રગ્સ આમ પણ ખુબ જ હાનીકારક છે. પરંતુ તેમાં જો કેમિકલની માત્રામાં ગરબડ થાય તો મગજ અને બીજા અવયવોને ગંભીર ક્ષતિ પહોંચાડે છે. કૂકર કે બોઇલરમાં આ ડ્રગ્સ ૨ દિવસનાં અંતે તૈયાર થાય છે.
- મોટાભાગના પેડલર્સ જેલહવાલે, કેટલાક સામે ગુજસીટોક
મોટાભાગના પેડલરો હાલ જેલહવાલે છે. ખાસ કરીને ડ્રગ્સ માટે અવારનવાર ચર્ચામાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં ડ્રગ્સનાં વેપલા સાથે સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા શખ્સો ગુજસીટોક અને બીજા ગુનાઓમાં જેલહવાલે થઇ ગયા છે. શહેરમાં આવેલી ચારેક હાઉસિંગ કોલોનીઓ કે જ્યાં પડીકીઓનું વેચાણ થતુ હતું ત્યાં પોલીસ હવે નિયમિત તપાસ કરે છે. એટલુ જ નહીં ડ્રગ્સ બાબતે જનજાગૃતિ ફેલાવવા માટે એસઓજીએ ૨૦૨૫ની સાલમાં ૨૯ અવેરનેસનાં કાર્યક્રમો યોજ્યા હતા.
- ડ્રગ્સમાં થતી ધૂમ કમાણીને લીધે નવા પેડલર્સનો ઉમેરો
પોલીસનો દાવો છે કે હાલ શહેરમાં ડ્રગ્સની અછત છે. આમ છતાં ડ્રગ્સમાં થતી ધૂમ કમાણીને કારણે તેમાં નવા-નવા પેડલરોનાં પ્રવેશની બાબત ચિંતાજનક છે. જો એસઓજીએ એક વર્ષમાં એકાદ કરોડ જેટલું ડ્રગ્સ પકડી પાડયુ હતું તો પછી કેટલા રૂપિયાનું ડ્રગ્સ પિવાઇ ગયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં પોલીસ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી સંતોષ માની બેસી રહેવાને બદલે આ દીશામાં સતત કામગીરી અને ધોંસ ચાલુ રાખે તો જ નશાનો કાળો કારોબાર અટકશે.
|
2025માં ડ્રગ્સનાં થયેલા કેસો |
|||
|
ડ્રગ્સ |
જથ્થો |
કિંમત |
આરોપીઓ |
|
મેફેડ્રોન |
૭૪૮.૫૫ ગ્રામ |
રૂા.૬૨.૩૦ લાખ |
૧૭ |
|
હેરોઇન |
૪૩૬.૭૪ ગ્રામ |
રૂા.૨૧.૮૨ લાખ |
૩ |
|
ગાંજો |
૧૧૪.૧૯ કિ.ગ્રામ |
રૂા.૧૩.૫૭ લાખ |
૧૮ |


