રાજકોટમાં ડ્રગ્સની 'દુકાન': ૩૦ લાખના MD ડ્રગ્સ સાથે 2 ઝબ્બે
એમડી ડ્રગ્સનો રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટો જથ્થો કબજે છ-છ વખત પાસાની હવા ખાઈ આવેલા કુખ્યાત રણજીત ઉર્ફે કાનો ટિકિટે દારૂના ધંધા બાદ ડ્રગ્સના વેપલો શરૂ કર્યો
રાજકોટ, : રાજકોટના ઈતિહાસમાં એમડી એટલે કે મેફેડ્રોન ડ્રગ્સનો સૌથી મોટો 303.93 ગ્રામ જથ્થો ઝડપાયો છે. એસઓજીએ રેલનગરના 80 ફૂટ મેઈન રોડ પર સ્થિત ગુલમહોર પ્લાઝામાં આવેલી દુકાન નં. 106માં દરોડો પાડી નામચીન રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદ ગોહેલ (ઉ.વ. 34, રહે. આનંદનગર બ્લોક નં. 7, કવાર્ટર નં. 87, કોઠારીયા મેઈન રોડ) અને તેના સાગરીત હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા (ઉ.વ. 32, રહે. સફર એપાર્ટમેન્ટ, બી-વીંગ, બ્લોક નં. 506, રેલનગર)ને ડ્રગ્સના રેકોર્ડબ્રેક જથ્થા સાથે ઝડપી લીધા હતા.
SOGને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડયો હતો. તે વખતે શિવ સેલ્સનું બોર્ડ મારેલી દુકાનમાં હાજર રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને તેના સાગરીત હિતેન્દ્રસિંહ ઉર્ફે હકાના કબજામાંથી પ્લાસ્ટીકની કોથળીમાં પેક કુલ 303.93 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત એસઓજીએ રૂ. 30.39 લાખ ગણી હતી. બે મોબાઈલ ફોન, રોકડા રૂ. 7750 અને વજનકાંટા સહિત કુલ રૂ.30.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય સુત્રધાર રણજીત ઉર્ફે કાનો ટિકિટ લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં 6-6 વખત પાસાની હવા પણ ખાઈ આવ્યો છે. તેના વિરૂધ્ધ મુખ્યત્વે ભક્તિનગર પોલીસમાં 8 અને ગાંધીગ્રામ પોલીસમાં 1 મળી કુલ 9 ગુના નોંધાયા છે. જેમાં પ્રોહિબિશનના, ખુનની કોશિષ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. તેના સાગરીત હિતેન્દ્રસિંહ ઉર્ફે હકા વિરૂધ્ધ ભક્તિનગર અને ક્રાઈમ બ્રાંચમાં હુમલા, આર્મ્સ એકટ સહિતના 3 ગુના નોંધાયા છે. તે પણ 2024ની સાલમાં એક વખત પાસાની હવા ખાઈ આવ્યો છે.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે સુત્રધાર રણજીત ઉર્ફે કાનો ટિકિટ અગાઉ દારૂનો ધંધો કરતો હતો. હિસ્ટ્રીશીટર અને બુટલેગર તરીકે પંકાયેલો હતો. દારૂ બાદ તેણે ડ્રગ્સના ધંધામાં ઝંપલાવ્યું હતું. સાથોસાથ પોતે પણ ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો. તેનો સાગરીત હિતેન્દ્રસિંહ ડ્રગ્સનો બંધાણી બન્યા બાદ તેનો કેરીઅર બની ગયો હતો. પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યાનું ખુલ્યું છે. પોલીસે સ્વીકાર્યું કે બંને આરોપીઓની પુછપરછમાં ડ્રગ્સના રેકેટ અંગે ઘણી માહીતી મળી શકે તેમ છે. જે જોતા આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નકારાતી નથી.
રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લેવા તજવીજ પાંચેક દિવસ પહેલા જ ગ્રીન લેન્ડ ચોકડી પાસે રાજસ્થાનનો ડીલીવરીમેન ડ્રગ્સ આપી ગયો હતો પત્ની જેની પાસેથી ડ્રગ્સ મંગાવતી તેની પાસેથી જ ડ્રગ્સ મંગાવતો
રાજકોટ, : મુખ્ય સુત્રધાર રણજીત ઉર્ફે કાનો ટિકિટની પત્ની ફાતીમા અગાઉ સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી તેમ એસઓજીના સુત્રોએ જણાવી ઉમેર્યું કે ફાતીમા જેની પાસેથી ડ્રગ્સ મંગાવતી તે રાજસ્થાનના સપ્લાયર પાસેથી જ રણજીત ઉર્ફે કાનાએ પણ ડ્રગ્સ મંગાવવાનું શરૂ કર્યું હતું.
આજે જે 303 ગ્રામનો જથ્થો પકડાયો છે તે પાંચેક દિવસ પહેલા જ રાજસ્થાનના સપ્લાયરનો ડિલીવરીમેન ગ્રીન લેન્ડ ચોકડી પાસે તેને આપી ગયો હતો. હાલમાં તે પાંચથી છ વખત રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યાનું રટણ કરી રહ્યો છે. પરંતુ તેના કરતાં પણ વધુ વખત ડ્રગ્સ મંગાવ્યાની શકયતા છે. એસઓજીએ હવે રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. જે પકડાયા બાદ ડ્રગ્સનું મોટું રેકેટ ખુલે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. રણજીત ઉર્ફે કાના ટિકિટે ખરેખર કેટલી વખત રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યું છે તેની તપાસ માટે હવે પોલીસ તેના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવશે.