ગીરગઢડામાં ગાંજાનું વાવેતર પકડી પાડતું ગીર સોમનાથ એસઓજી 55 કિલોથી વધુના ગાંજાના છોડ સાથે વૃધ્ધની ધરપકડ, જૂનાગઢમાં સતત બીજા દિવસે વધુ એક શખ્સ 3 કિલો જથ્થા સાથે ઝડપાયો
ગિરગઢડા, વેરાવળ, જૂનાગઢ, : જૂનાગઢ એસ.ઓ.જી.એ ગઈકાલે ચાર કિલો ગાંજા સાથે બે શખ્સને પકડયા બાદ રાતે બસમાં જૂનાગઢ આવતા ખડીયાના શખ્સને ત્રણ કિલોથી વધુ ગાંજા સાથે ઝડપી લીધો છે, તો ગિરગઢડામાં રહેતા એક વૃદ્ધે તેના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે ગીરસોમનાથ એસ.ઓ.જી.એ દરોડો પાડી આ વૃધ્ધના ઘરેથી ૫૫ કિલોથી વધુ વજનના ગાંજાના છોડ પકડી પાડી વૃદ્ધની ધરપકડ કરી હતી.
ગીર સોમનાથ એસ.ઓ.જી.નો સ્ટાફ ગતરાત્રીના ગિરગઢડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે ગિરગઢડાના ઉના રોડ પર રહેતા ભીખા અતુ મકવાણાએ તેના ઘરના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. આથી એસ.ઓ.જી.અને એલસીબીના સ્ટાફે દરોડો પાડતા ઘર પાછળ આવેલા વાડામાં ગાંજાના છોડ મૂળિયા સાથે ઉપાડી લીધાના અવશેષો જોવા મળ્યા હતા. આ છોડનો ઢગલો કરી સૂકવવા માટે રાખેલા જોવા મળ્યા હતા. ભીખા મકવાણાની પૂછપરછ કરતા તેણે ક ગાંજો હોવાનું જણાવ્યું હતું અને પોતે છૂટક વેંચાણ કરવા માટે વાડામાં ગાંજનું વાવેતર કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ ગાંજાના છોડનું વજન કરતા અડધાથી માંડી ચાર ફૂટના ગાંજાના છોડનું કુલ વજન 55 કિલો 320 ગ્રામ થયું હતું. પોલીસે 27.66 લાખની કિંમતનો ગાંજો અને મોબાઈલ મળી કુલ 27.66 લાખનો મુદામાલ કબ્જે કરી વૃધ્ધ ભીખા અતુ મકવાણા (ઉ.વ. 75)ની અટક કરી ફરિયાદ કરતા ગિરગઢડા પોલીસે એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ દરમિયાન, ગઈકાલે જૂનાગઢના રામદેવપરા વિસ્તારમાંથી ચાર કીલોથી વધુ ગાંજા સાથે ઇકબાલ અશરફ પઠાણ અને હિતેષ શાંતિલાલ શાહ પકડાયા હતા અને ઓરિસ્સાના મંગનું અને ખડીયાના ભૂરાનું નામ ખુલ્યું હતું. એ પછી ગતરાત્રીના બગડુનો સ્મિત ઉર્ફે ભૂરો દિનેશ કાપડી ગાંજાનો જથ્થો વેંચવા માટે ખાનગી બસમાં રાજકોટ તરફથી આવતો હોવાની બાતમી મળતા એસ.ઓ.જી પી.આઈ. આર.કે.પરમાર સહિતના સ્ટાફે સુખપુરના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બસ પસાર થતા તેને રોકી સ્મિત પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી 1.87 લાખની કિંમતનો ત્રણ કિલો સાડા સાતસો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.એ મોબાઈલ,બેગ,1100 રૂપિયા રોકડા મળી કુલ ૧.૯૩ લાખનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ આદરતાં સ્મિત ઉર્ફે ભૂરાએ રાજસ્થાનના કોટરાના શખ્સ પાસેથી આ ગાંજો જૂનાગઢ છૂટક વેંચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ શખ્સના નામની ખબર ન હોવાનું જણાવ્યું હતું. એસ.ઓ.જી.ના એ.એસ.આઈ.જીતેન્દ્રસિંહ ચૌહાણે ફરિયાદ કરતા તાલુકા પોલીસે એન.ડી.પી.એસ. મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


