અખાત્રીજે સોનાની ખરીદીમાં ગત વર્ષ કરતા 50 ટકા જેટલો ઘટાડો
વડોદરાઃ સોનાના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાની અસર આજે અખાત્રીજના દિવસે સોનાની ખરીદી પર જોવા મળી હતી.ચાંદીમાં પણ એ જ સ્થિતિ રહી હતી.એક અંદાજ પ્રમાણે ગત અખાત્રીજ કરતા આ વખતે ઘરાકીમાં ૫૦ ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો હતો.
એક અંદાજ પ્રમાણે ૭૦ કરોડનુ ંસોનું અને ૧૦ કરોડની ચાંદીનુ આજે વેચાણ થયું હતું.જોકે ઘરાકી પરની અસર સોના ચાંદીના બજારમાં જોવા મળી હતી.દુકાનોમાં અને શો રુમોમાં ગ્રાહકોની સંખ્યા ઓછી હતી.બજારના સૂત્રોના કહેવા પ્રમાણે આજે ૧૦ ગ્રામની લગડીનો ભાવ ૯૮૫૦૦ રુપિયા જેટલો હતો અને એક કિલો ચાંદીનો ભાવ પણ ૯૮૫૦૦ રુપિયાની આસપાસ હતો.ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં ૩૫ ટકાનો જંગી વધારો થયો છે એટલે સ્વાભાવિક છે કે, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય.
જ્વેલર્સના કહેવા પ્રમાણે જેઓ શુકન તરીકે ૧૦ ગ્રામ સોનુ ખરીદતા હતા તેમણે આજે પાંચ ગ્રામ અને પાંચ ગ્રામ સોનુ ખરીદનારાઓએ ૧ ગ્રામ સોનુ ખરીદયું હતું.લગ્નગાળાને ધ્યાનમાં રાખીને થતી દાગીનાની ખરીદી પણ આજે ઘટી હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે યુધ્ધના ભયથી પણ ખરીદી પર અસર પડી હોવાનું વેપારીઓનું કહેવું છે.લોકો વેઈટ એન્ડ વોચનું વલણ અપનાવી રહ્યા હોય તેમ લાગ્યું હતું.ગ્રાહકોને આકર્ષવા માટે સોનાના દાગીનાના ઘડામણ પર ડિસ્કાઉન્ટ જેવી સ્કીમોની પણ ઝાઝી અસર દેખાઈ નહોતી.