Get The App

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે 1 - image

ગાંધીનગર આરટીઓ ટ્રેકને અસર

બે રજા બાદ સોમવારે સવારે ઓટો મેન્ટનન્સથી ટેકનીકલ ઇસ્યુની પરંપરા ઃ બપોરે ટ્રેક ફરી શરૃ

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓમાં સતત બે રજા બાદ જ્યારે ઓફિસ ચાલુ થાય છે ત્યારે સવારના સમયે સારથી સોફ્ટવેર પ્રોપર કામ કરતું નથી.શનિવાર અને ગઇકાલના રવિવાર બાદ આજે સોમવારે જ્યરે કચેરીઓ સવારે ચાલુ થઇ ત્યારે આ પરંપરાનું પુનરાવર્તન થયું હતું. સવારના સમયે સોફ્ટવેરમાં ધાંધિયા સર્જાવાને કારણે આરટીઓમાં લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, બપોરે સારથી સોફ્ટવેર પુર્વવત થઇ ગયો હતો જેના કારણે ટેસ્ટ લેવાની કામગીરી શરૃ થઇ ગઇ હતી.

આરટીઓની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે તેમાં પણ ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી સારથી સોફ્ટવેરના આધારે થઇ રહી છે પરંતુ આ સોફ્ટવેરમાં વારંવાર કોઇના કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉભા થાય છે જેના કારણે ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં પણ આ ટ્રેક ચાલુ દિવસોમાં પણ બંધ જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે સળંગ બે કે તેથી વધુ રજા આવતી હોય તેવા કિસ્સામાં સિસ્ટમ ઓટો મેન્ટેનન્સમાં જતી રહે છે અને જ્યારે કચેરી ચાલુ હોય અને અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધો હોય ત્યારે સવારના સમયે અહીં સારથી સોફ્ટેવરમાં ઇસ્યુ ઉભા થાય છે.

શનિ અને ત્યાર બાદ ગઇકાલની રવિવારની રજા બાદ આજે સોમવારે પણ આ જ પ્રકારની ટેકનીકલ સમસ્યા સર્જાઇ હતી જેના કારણે ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવ્યા ન હતા તો બીજીબાજુ અરજદારોની લાંબી લાઇનો પણ થઇ હતી. બપોરે આ સમસ્યાનું નિરાકરણ આવતા ફરી ટ્રેક શરૃ થઇ ગયો હતો અને તમામના ટેસ્ટ લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, વારંવાર ટેકનીકલ ઇસ્યુને કારણે ટ્રેક બંધ રહે છે જેથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરકારને સૌથી વધુ કમાઇને આપતા આ વિભાગ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ કે જેથી પહેલેથી ફી અને એપોઇન્ટમેન્ટ લઇને આવતા અરજદારો હેરાન થાય નહીં.