Vadodara RTO : વડોદરા આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી 14 દિવસ બંધ રહ્યા બાદ આજથી રાબેતા મુજબ શરૂ થતા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના દરજીપુરા સ્થિત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) વડોદરા ખાતે એ.આઈ. આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. હવે એ.આઈ. ટ્રેકની સિવિલ કામગીરી પૂર્ણ થતા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી આજથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ છે. 14 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહ્યા બાદ આજે સોમવારે શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા. જોકે, હજુ એ.આઈ. ટ્રેકની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી હાલ અગાઉની પદ્ધતિ મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં ટુ-વ્હીલરના 68 અને વ્હીલરના 23 મળી કુલ 91 ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શક્યા છે. નવા એ.આઈ. ટ્રેક પર અંદાજે 45 ફૂટ જેટલી ઊંચાઇએ 14 કેમેરા જેટલા કેમેરા લગાવ્યા છે. અન્ય કેમેરા તથા સેન્સર્સ લગાવવાની કામગીરી ચાલી રહી છે. સોફ્ટવેર ઇન્સ્ટોલેશન થયા બાદ કર્મચારીઓને તાલીમ અપાશે. એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વિગતવાર માહિતી રજૂ કરતી ડિસ્પ્લે અરજદારો નિહાળી શકે તે પ્રકારે મુકાશે. સિવિલ વર્કની કામગીરી પૂર્ણ થતા હવે વાયરિંગ અને સોફ્ટવેર ઇન્સ્ટોલ સહિતની કામગીરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની તમામ આરટીઓ કચેરીઓમાં તબક્કાવાર રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ) આધારિત ડ્રાઇવિંગ ટ્રેક સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલ મૂકી વધુ વાસ્તવિક પરિસ્થિતિ ઉભી કરાઈ
નવા ટ્રેક પર લગભગ 18 હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે, જે અરજદારની દરેક ડ્રાઇવિંગ મૂવમેન્ટને સ્વયં રેકોર્ડ કરશે. હાલના ચાર ટેસ્ટ સ્ટેજ—રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ છે તે યથાવત રહેશે. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરીને વધુ વાસ્તવિક પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે.
નવી સિસ્ટમ અરજદારોને અવારનવાર થતાં ધક્કાથી છુટકારો અપાવશે ...!
આરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર સારથી સોફ્ટવેર સાથે સંકલન કરી પ્રોસેસ કરે છે. પરંતુ અવાર નવાર વખત ડેટા ફેચ થઈ ન શકતા અથવા ટેકનિકલ ખામી સર્જાતી હોવાને કારણે અરજદારોને ધક્કા ખાવાની નોબત આવતી હોય છે. નવી એ.આઈ. સિસ્ટમમાં આ પ્રકારની ખામી દૂર થવાનો દાવો છે.


