વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા
- ગંભીરા બ્રિજ બંધ અને ભારે વરસાદના લીધે
- 10 ફૂટ ખાડાવાળા બિસ્માર રોડમાં પાણી ભરાતા હાલાકી : રસ્તાનું સમારકામ કરવા માંગણી
છેલ્લા કેટલાક સમયથી સુંદણ ફાટક પાસે રોડ ઉપર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઈને અહીંયાથી પસાર થતા વાહનોના ચાલકોને ખુબ જ સાવચેતી રાખવી પડે છે. ખાડાઓના કારણે કેટલાક વાહનો પોતાની સાઈડથી બાજુની સાઈડે નીકળવા જતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાય છે. ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતા જ રોડની બન્ને બાજુએ થઈને કુલ ૪થી પાંચ કિ.મી. સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો.
રેલવે ફાટક અને તેની આસપાસના રોડ ધોવાઈ જતા રોડની સાઈડમાંથી પણ વાહન ચાલકો પોતાના વાહનો ચલાવતા ડરી રહ્યા છે. ગંભીરા બ્રિજ બંધ થઈ ગયા બાદ મોટાભાગનો ટ્રાફિક વાયા વડોદરા, વાસદ થઈને તારાપુર તરફ જાય છે. ત્યારે આ રોડની વહેલી તકે મરામત કરી દેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.