સનફાર્મા રોડ ઉપર ભુવાનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા
ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો હોય તેવું લાગે છે : કોંગ્રેસ પ્રમુખ
તંત્રએ સુરક્ષાના ભાગરૂપે બેરીકેડ મૂક્યા
સનફાર્મા રોડ ઉપર ભુવાનું નિર્માણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વહેલી તકે સમારકામની માંગ કરી હતી. તંત્રએ તકેદારીના ભાગરૂપે હાલ બેરીકેડ લગાવી દીધા છે
રવિવારે બપોરે નટુભાઈ સર્કલ નજીક માર્ગ ઉપર ભુવો પડતા પાર્ક કાર ફસાઈ જતા ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સાંજે વોર્ડ નં. 11માં સમાવિષ્ટ અને સતત વાહનોની અવરજવરથી ધમધમતા સન ફાર્મા રોડ પર શ્રીજી બંગલો નજીક માર્ગની વચ્ચોવચ વિશાળ ભુવાનું નિર્માણ થયું હતું. જેના કારણે માર્ગ ઉપરથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલી થઈ હતી. અને હળવો ટ્રાફિકજામ પણ રહ્યો હતો. તંત્રએ સાવચેતીના ભાગરૂપે બેરીકેડ લગાવ્યા હતા. ઘટનાની જાણ થતા શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા. અને વહેલી તકે સમારકામ સાથે વધુ બેરીકેડ મૂકવા પ્રયાસ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે, ભાજપના ધારાસભ્યના ઘરની નજીક અને ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો હોય તેવું લાગે છે, ભુવાનું નિર્માણ થયું છે ત્યાં અગાઉ સમારકામ થયું હોય તેમાં મટીરીયલ હલકી ગુણવત્તા વાળું ઉપયોગ કરવામાં આવ્યું હોય ફરી આ પરિસ્થિતિ થઈ છે.