Gujarat

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી

By GS TEAM
15 Dec 20251 min read
થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી

- ભારે વાહનો પસાર ન થાય તે માટે એંગલ લગાવી હતી

- ઓવરબ્રિજ પર વાહન ચાલકોને પસાર થવામાં જોખમ, તાકીદે એંગલનું સમારકામ કરવાની માગણી 

થાન : થાન શહેરમાં આવેલા વાસુકી ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલો લોખંડની એંગલ તૂટી જતા દુર્ઘટના બનતા અટકી હતી. જ્યારે એંગલ તૂટવાને કારણે વાહન ચાલકો જીવના જોખમે ઓવરબ્રિજ પરથી પસાર થતા મજબૂર બન્યા છે. જેથી તાકિદે તૂટેલી એંગલનું સમારકામ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

થાન ખાતે આવેલા વાસુકી ઓવરબ્રિજ પરથી ભારે અને મોટા માલવાહક વાહનો માટે બ્રિજની બંને બાજુએ મોટા વાહનો પસાર ન થાય તે માટે લોખંડના એંગલ લગાવવામાં આવ્યા હતા. થાન શહેર ખનીજ અને સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે. ખનીજ સંપતિ ભરેલો મુદ્દામાલ ભરેલી ટ્રક સહિતના વાહનો ઓવરબ્રિજ પરથી પસાર ન થાય તેવા હેતુથી એંગલ લગાવવામાં આવી છે. ત્યારે તાજેતરમાં એક તરફની લોખંડની એંગલ તૂટી જતા તંત્રની બેદરકારી સામે આવી છે અને અન્ય વાહન ચાલકો માટે જોખમી પણ સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ આ એંગલ  તૂટી પડી હતી. જો કે, હાલમાં તૂટેલા એંગલ તંત્રની બેદરકારીને કારણે જોખમી સાબિત થઈ રહ્યા છે. તંત્રની બેદરકારીથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તાકિદે તૂટેલી એંગલનું સમારકામ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.