શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ
- વેપારી, બેન્ક કર્મચારીઓ સહિતના પરેશાન થયા
- કાળિયાબીડ, જવેલ્સ સર્કલ, નિલમબાગ, આરટીઓ સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિકજામ
ભાવનગર : ભાવનગર શહેરમાં આજે શનિવારે વડાપ્રધાનના કાર્યક્રમના પગલે મોટાભાગના રોડ બંધ કરવામાં આવ્યા હતા તેથી શહેરના ઘણા વિસ્તારમાં ટ્રાફિકજામ જોવા મળ્યો હતો તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં.
શહેરમાં આજે શનિવારે વડાપ્રધાનનો રોડ અને જાહેરસભા હતી, જેના પગલે એરપોર્ટ રોડ, મહિલા કોલેજ રોડ, ઘોઘાસર્કલ, રૂપાણી, વાઘાવાડી રોડ, સંસ્કાર મંડળ રોડ વગેરે રોડ સવારે ૬ કલાકથી બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે વેપારી, બેન્ક કર્મચારીઓ, ખાનગી ઓફીસના કર્મચારીઓ વગેરેની પરેશાની વધી હતી. લોકો ફરી ફરીને દુકાને તેમજ ઓફીસે પહોંચ્યા હતાં.
શહેરના મોટાભાગના રોડ બંધ હોવાથી કાળિયાબીડ, જવેલ્સ સર્કલ, નિલમબાગ, આરટીઓ સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. રોડ બંધ કરાતા અને ટ્રાફિકજામના પગલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.