મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો
લોડર ચાલકનું મોત નીપજતા તંત્ર દ્વારા લાશને બહાર કાઢવાની કામગીરી હાથધરાઈ
કાર્બોસેલના કુવાની બાજુના સેન્ડ સ્ટોનના ઢગલા ભરતી વખતે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો
24 કલાક બાદ પણ મૃતકની લાશને બહાર કાઢવાની સ્થાનીક તંત્ર ૨૪ સહિત રાજકોટ ફાયર ફાયટર ટીમ દ્વારા કાર્યવાહી શરૃ
ગેરકાયદેસર ખનીજ સંપતિના ગેરકાયદેસર ખનન દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા ચકચાર
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિત ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે મુળી તાલકુાના ખાખરાળા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ભરેલ લોડર કુવામાં ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું જે બનાવના ૨૪ કલાક બાદ પણ મૃતક ચાલકની લાશને બહાર કાઢવાની કામગીરી શરૃ રાખવામાં આવી હતી.
આ અંગે ભોગ બનનાર મૃતકના પરિવાજન પ્રવિણભાઈ રામુભાઈ બોહકીયા રહે.વગડીયાવાળાએ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની હાજરીમાં આપેલ નિવેદન મુજબ તેમનો ૨૦ વર્ષનો ભત્રીજો અજયભાઈ કાનાભાઈ બોહકીયા રહે.ધોળીયા હાલ રહે.છગડીયાવાળો મુળીના ખાખરાળા ગામની સરકારી સર્વે નં.૩૦૯વાળી જમીનમાં બુધવારે બપોર બાદ કાર્બોસેલના કુવાઓની બાજુમાં પડેલ સેન્ડ સ્ટોન તેમજ ફાયર ક્લે ખનીજના ઢગલાઓ વિઠ્ઠલભાઈ જાગાભાઈ ભરવાડ રહે.જામવાળીવાળાના કહેવાથી લોડર મારફતે ભરી રહ્યો હતો તે દરમ્યાન સરકારી જમીનમાં કરેલ ગેરકાયદેસર કાર્બોસેલના કુવા નજીકથી લોડર પસાર થતી વખતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લોડર સહિત ચાલક અજયભાઈ બોહકીયા ચાલક સહિત ઉંડા કુવામાં ખાબકતા મોત નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પરિવારજનો સહિતનાઓને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ અંગે તંત્રના અધિકારીઓને જાણ કરતા ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી મૃતકની લાશ તેમજ લોડરને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. જ્યારે મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજચોરી દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તેમજ ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
મુળી તાલુકામાં કાર્બોસેલના કુવામાં મોતના બનાવ બાદ મોડું મોડું તંત્ર જાગ્યું.
મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપતિના ખનન દરમ્યાન એક વ્યક્તિના મોતના મેસેજ સોશ્યલ મીડીયામાં બુધવારે સાંજે વાયરલ થયા હતા પરંતુુ જવાબદાર તંત્રને જાણે ગંભીરતા ન હોય તેમ મોડું મોડું જાગ્યું હતું અને રાત્રે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથધરી હતી.
ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાંથી મૃતકની લાશને બહાર કાઢવામાં હાલાકી
મુળીના ખાખરાળા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબકડતા ચાલકનું મોત નીપજ્યુું હતું પરંતુ કુવાની અંદર લોડર નીચે મૃતકની લાશ ફસાઈ ગઈ હોવાથી તંત્ર દ્વારા બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને બનાવના ૨૪ કલાક બાદ પણ મૃતકની લાશને રાજકોટ ફાયર ફાયટર ટીમ દ્વારા ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ શરૃ રાખવામાં આવી હતી.