જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ જતાં ભોગ લેવાયો
Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અને માર્ગ પર બંધ પડી ગયેલું છોટાહાથી રીપેર કરી રહેલા તેના ચાલકને પાછળથી આવેલા ડમ્પર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતા કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા અને દિનેશ શોપ ફેક્ટરી ચલાવતા સંજયભાઈ કાંતિલાલભાઈ શાહ નામના વેપારીએ પોતાના છોટાહાથીના ચાલક અમિત અતુલભાઇ ગડાદરા નામના યુવાનને પાછળથી ધસી આવી કચડીનાખી મૃત્યુ નીપજાવવા અંગે ડમ્પર ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સંજયભાઈ શાહની ફેક્ટરીમાં છોટાહાથી ના ચાલક તરીકે નોકરી કરતો અમિત ગઢાદરા કે જે ગઈકાલે કંપનીનું જીજે-3 બી.વાય. 8295 નંબરનું છોટા હાથી લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સોયલ ટોલનાકા પાસે છોટા હાથીની એક્સેલ ભાંગી જતાં માર્ગ પર બંધ પડી ગયું હતું. તેથી પોતે પાછળના વ્હીલમાં જેક લગાવીને રીપેરીંગ કામ કરી રહ્યો હતો, તે વેળાએ પાછળથી પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે છોટા હાથીને ટક્કર મારી દીધી હતી, અને નીચે કામ કરી રહેલા અમિતનું ડમ્પર નીચે ચગદાઈ જવાના કારણે ગંભીર ઈજા થયા બાદ કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.