Gujarat

બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

By GS TEAM
25 Dec 20251 min read
બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

આંકલાવથી અંબાલી જવાના રોડ પર અકસ્માત 

મૃતક 19 ડિસેમ્બરે બાઈક લઈને ભેટાસી તળપદ ખાતે સાસરીમાં જવા નીકળ્યો હતો

આણંદ: આંકલાવથી અંબાલી જવાના રોડ પર રૂપણી માતાજીના મંદિર નજીક ગત શુક્રવારે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૫૦ વર્ષીય બાઇક ચાલકનું સારવાર દરમિયાન વડોદરાની હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ તાલુકાના કોઠીયાખાંડ ગામના રહીશ અશોકભાઈ છત્રસિંહ પઢીયાર ગત તારીખ ૧૯ ડિસેમ્બરે બપોરના એક વાગ્યાની આસપાસ બાઈક લઈને ભેટાસી તળપદ ખાતે પોતાની સાસરીમાં જવા નીકળ્યા હતા. 

આંકલાવ-અંબાલી રોડ પર રૂપણી માતાજીના મંદિર નજીક વળાંકમાં તેમનું મોટર સાયકલ અચાનક સ્લિપ ખાઈ ગયું હતું. જેથી અશોકભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ આંકલાવ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કિંખલોડની નવજીવન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને અંતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર દરમિયાન તારીખ ૨૫ ડિસેમ્બરે રાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ મામલે રંગીતભાઈ ચતુરભાઈ પઢીયારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.