દારૃની હેરાફેરી કરતી વેળા એન્જીનમાં આગ લાગતા ચાલક રીક્ષા મૂકી છૂ
સીમાડા કેનાલ રોડ પર અડધી બળી ગયેલી સીએનજી રીક્ષામાં વ્હીસ્કીની બોટલો ફુટી, પાંચ બોટલ સીલબંધ મળી
સુરત,તા.18 જુલાઈ, 2020,શનિવાર
સુરતના સીમાડા કેનાલ રોડ ઉપર આજે સવારે સીએનજી રીક્ષામાં દારૃની હેરાફેરી વેળા અચાનક એન્જીનમાં આગ લાગતા તેનો ચાલક રીક્ષા મૂકી ભાગી છૂટયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણા પોલીસને આજે સવારે 10.45 કલાકે પોલીસ કંટ્રોલ તરફથી પુણા ગામ ઈશ્વરનગર સોસાયટી ભૈયાનગર પાસે એક રીક્ષામાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. પીસીઆર-25 ત્યાં પહોંચતા કેનાલ રોડ પર ઈશ્વરનગર સોસાયટીની બાજુમાં શિવનગર ઝુપડપટ્ટી પાસે ફાયરબ્રિગેડે આગ બુઝાવ્યા બાદ અર્ધબળેલી હાલતમાં સીએનજી રીક્ષા (નં.જીજે-05-બીડબ્લ્યુ-6586) મળી હતી.
આગળના કાચ પર હિન્દીમાં પવનપુત્ર અને નીચે ગુજરાતીમાં જય સ્વામીનારાયણ લખેલું હતું. રીક્ષામાં પાછળના ભાગે એન્જિન પાસે દારુની બળેળી-અર્ધબળેલી બોટલો મળી હતી. રૃા.2250ની પાંચ બોટલ સીલબંધ મળી હતી. જ્યારે 6 બોટલ આગમાં ફુટેલી હાલતમાં હતી. દારુની હેરાફેરી વેળા આગ લાગતા રીક્ષાચાલક ગભરાઇને ભાગી છૂટયો હોવાનું પોલીસનું અનુમાન છે. તેની શોધખોળ ચાલી રહી છે.