બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા
હાઇવે પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા વાહને ફરી ભોગ લીધો
ક્લિનર કેબિનમાં દબાઇ જતાં ભારે જહેમત બાદ બહાર કાઢ્યો ઃ ટ્રાફિકજામ થતાં પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો
બગોદરા - બગોદરા હાઈવે પર રોહિકા ગામના પાટિયા નજીક બેદરકારીપૂર્વક પાર્ક કરેલી એક ટ્રક પાછળ બીજી ટ્રક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી ટકરાયેલી ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બગોદરા હાઇવે પર રોહિકા ગામના પાટિયા નજીક મોડી રાત્રે એક ટ્રકનું ટાયર પંચર થઈ જતાં તેને હાઈવેની ડિવાઈડર પાસે ઊભી રાખવામાં આવી હતી. તે સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેદરકારીપૂર્વક આ ટ્રક સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પાછળની ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રકનો ક્લીનર કેબિનમાં ફસાઈ ગયો હતો.
પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢયો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે મોડી રાત સુધી ટ્રાફિકનું નિયમન કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા વાહનોના જોખમ અંગે ચિંતા ઊભી કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.