સમા ઉર્મિ બ્રિજ ઉતરતા ટેમ્પો પલટી ખાઇ જતા ચાલકનું મોત
મૃતક ટેમ્પામાં પાણી પુરીનો ધંધો કરતો હતો
વડોદરા,સમા ઉર્મિ બ્રિજ ઉતરતા ટેમ્પો પલટી ખાઇ જતા ટેમ્પા ડ્રાઇવરને ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
યુ.પી.ના અને હાલમાં ખોડિયાર નગર રામદેવ નગરમાં રહેતા ત્રણ ભાઇઓ મુલાયમ સુરેશભાઇ કુછવાહા, વિનોદ તથા છોટે પાણી પુરીની લારી ચલાવે છે. ગઇકાલે મુલાયમ તથા તેનો ભત્રીજો પાણીપુરીનો ટેમ્પો લઇને સમા અયપ્પા ગ્રાઉન્ડની સામે સમા ગાર્ડન જતા હતા. તે દરમિયાન ઉર્મિ બ્રિજ ઉતરતા સમયે મુલાયમે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. મુલાયમ અને તેમનો ભત્રીજો રોડ પર ફંગોળાઇને પડયા હતા. મુલાયમને માથામાં ગંભીર ઇજા થઇ હતી. ભત્રીજાએ ફોન કરીને ફુવા મુલાયમના ભાઇને બોલાવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.