વહેલી સવારે ટ્રક ચાલકે ટક્કર મારતા રિક્ષા પલટી જતા ચાલકનું મોત
બે મિત્રો ડભોઇથી રિક્ષા લઇને વડોદરા ફૂલ ખરીદવા આવતા હતા
વડોદરા,વહેલી સવારે પાંચ વાગ્યે કપુરાઇ બ્રિજ નીચે આયશર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ગઇ હતી. રિક્ષા ચાલકને ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
ડભોઇ ભારત ટોકીઝની સામે રહેતા હર્ષદભાઇ જ્યંતિભાઇ માળી ફૂલનો વેપાર કરે છે. આજે સવારે નિત્યક્રમ મુજબ તે મિત્ર મોહંમદ ઇલ્યાસ હસનભાઇ વાણીયાવાલાની રિક્ષામાં ડભોઇથી વડોદરા ફૂલ ખરીદવા માટે નીકળ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે કપુરાઇ ચોકડી પાસે બ્રિજ નીચે આવતા અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર એક ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ગઇ હતી. આજુબાજુના લોકો દોડી આવી રિક્ષા ઉભી કરી બંને મિત્રોને બહાર કાઢ્યા હતા. મોહંમદ ઇલ્યાસ રિક્ષા નીચે દબાઇ જતા ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાંથી સારવાર માટે મકરપુરાની ખાનગી હોસ્પિટલમાં મોહંમદ ઇલ્યાસને લઇ જવામાં આવ્યો હતો. શરીરમાં આંતરિક ભાગમાં ઇજા થવાથી તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.