વાવોલ ઉવારસદ માર્ગ ઉપર ટ્રક પાછળ મોપેડ ઘૂસી જતા ચાલકનું મોત

ગાંધીનગરના માર્ગો ઉપર વધતા અકસ્માતો
સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા પરંતુ મોત થયું
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક વાવોલ ઉવારસદ માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટનામાં ટીપી
૯માં રહેતા યુવાનનું મોત થયું છે.
જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ટીપી
૯ વસાહતમાં રહેતા મૂળ ખેડા જિલ્લાના લીંબાસી ગામના વતની ધીરેનસિંહ ભુપેન્દ્રસિંહ
બારૈયા તેમનું મોપડ લઈને ગત મંગળવારે સાંજના સમયે વાવોલ ઉવારસદ માર્ગ ઉપરથી પસાર
થઈ રહ્યા હતા તે દરમિયાન ગીતા હોસ્ટેલની સામે ટ્રકની પાછળ તેમનું મોપેડ ઘુસી ગયું
હતું અને જેના કારણે તેઓ નીચે પટકાયા હતા જેથી શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને
૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘાયલ ધીરેનસિંહ તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા
હતા પરંતુ તેમનું મોત થયું હતું.
જે અકસ્માતની ઘટના સંદર્ભે તેમના સગા નિકુલ કનુભાઈ વાઘેલાની
ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે









