Get The App

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત 1 - image

- ખેડા જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

- ભુમસ-સિંગાલી વચ્ચે બાઈક પાછળ એક્ટિવા અથડાતા 5 લોકોને ઇજા, બંને અકસ્માત મામલે ગુનો નોંધાયો

નડિયાદ : નડિયાદ-ડભાણ રોડ ઉપર જીઈબી નજીક મોટરસાયકલને ફોરવ્હીલ ગાડીએ ટક્કર મારતાં ગંભીર રીતે ઈજા પામેલા બાઈક ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મહેમદાવાદ-મહુધા રોડ ઉપર ભુમસ સિંગાલી વચ્ચે મોટરસાયકલ પાછળ એક્ટિવા અથડાતા પાંચ લોકોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

નડિયાદ-કપડવંજ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા થોમસ વર્ગીસ અમદાવાદ ખાતે એમઆર તરીકે નોકરી કરે છે. તેઓ રવિવારની રાત્રે નોકરી પરથી મોટરસાયકલ પર પરત ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન ડભાણ ચોકડીથી નડિયાદ તરફ જઈ રહ્યાં હતા, ત્યારે જીઇબી નજીક ફોરવ્હીલ ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકને રોડ ઉપર પડી જતા માથામાં અને શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી થોમસ વર્ગીસ (ઉં.વ.૩૫)ને ગંભીર ઈજા થતાં તુરંત જ ૧૦૮માં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલમાં લઈ જવાયા બાદ કરમસદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાબુભાઈ વર્ગીસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ગુનો નાંેધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામમાં રહેતા જયેશભાઈ રમણભાઈ પટેલ, ગોવિંદભાઈ પુનમભાઈ સોલંકી (રહે. દવાપુરા)ને મોટરસાયકલ પર બેસાડી કાચછઇ ખાતે રહેતા તેમના મિત્ર વિજયભાઈ ભરતભાઈ ચૌહાણના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રે વિજયભાઈના દીકરા હર્ષને દીકરી જોવા જવાનું હોય તેને મોટર સાયકલ પર બેસાડી ત્રીપલ સવારી ખડોલ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ભુમસ સિંગાલી વચ્ચે પાછળથી આવેલી એક્ટિવા મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયેશભાઈ રમણભાઈ પટેલ, ગોવિંદભાઈ પુનમભાઈ સોલંકી અને હર્ષ વિજયભાઈ ચૌહાણને અને એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા શખ્સને ઇજા થઈ હતી. જેથી પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જયેશભાઈ રમણભાઈ પટેલની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.