Gujarat

ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત

By GS TEAM
4 Aug 20251 min read
ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત

વડોદરા,જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ વચ્ચે રોડની સાઇડ પર ટ્રક ઉભો રાખી ટાયરની હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી  પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

રાજકોટના ઉપલેટામાં રહેતા ડાહ્યાભાઇ કચરાભાઇ કટારાની ટ્રક પર છેલ્લા એક વર્ષથી  ડ્રાઇવર તરીકે વલ્લભ મૂળજીભાઇ સોલંકી નોકરી કરે છે. ગત ૨૯ મી  તારીખે ઉપલેટાથી મગફળીનું ખોળ ભરીને વલ્લભ સોલંકી તથા ટ્રક ડ્રાઇવરનો પુત્ર અરજણ ડાહ્યાભાઇ કટારા મહારાષ્ટ્રના સોલાપુર ખાતે જવા નીકળ્યા હતા. ત્યાં ખોલ ખાલી કરી ૧ લી તારીખે મહારાષ્ટ્રના સાંગલી ખાતેથી ખાંડ ભરીને તેઓ રાજકોટ આવવા નીકળ્યા હતા. ગઇકાલે રાતે ૧૦ વાગ્યે વડોદરા નજીક જાંબુવા બ્રિજ પસાર કરી તેઓ થોડે દૂર આવેલી સતીમાતા હોટલની સામે રોડની બાજુમાં ટ્રક પાર્ક કરી હતી. અરજણભાઇ  ટ્રકમાંથી નીચે ઉતરીને ટ્રકના ટાયરોની હવા ચેક કરતા હતા. તે દરમિયાન જાંબુવા તરફથી આવતા ટ્રક ચાલકે  અરજણભાઇને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રક ડ્રાઇવર ભાગી ગયો હતો. અકસ્માતમાં અરજણભાઇને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી  ભાગી છૂટેલા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.