તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત
મહારાષ્ટ્રનો પ્રૌઢ છ મહિનાથી વડોદરાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવરની નોકરી કરતો હતો
વડોદરા,મોડીરાતે તરસાલી બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે ડ્રાઇવરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વિજયભાઇ બેરમૈયા કરકેરા ( ઉં.વ.૫૫) હાલમાં તરસાલી બાયપાસ પાસે આધુનિક રોડ કેરિયર્સ નામના ટ્રાન્સપોર્ટમાં રહે છે. છેલ્લા છ મહિનાથી તે આધુનિક રોડ કેરિયર્સ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે અમદાવાદથી સુરત તરફ જતા તરસાલી બ્રિજ ઉતરતા બાલાજી પેટ્રોલ પંપ નજીક ગેરેજમાં સર્વિસમાં મૂકેલી ટ્રક લેવા માટે તે ચાલતો જતોહતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે અંગે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.